Vadodara

વડોદરા : મકરપુરા જીઆઇડીસીમાં કંપની ધરાવતા માલિક સાથે પૂર્વ કર્મચારી દ્વારા રૂ.33.42 લાખની ઠગાઈ



પૂર્વ કર્મચારીએ પત્નીના નામની કંપની ઊભી કરી સંચાલકોને જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા

વડોદરા તારીખ 17

મકરપુરા જીઆઇડીસીમાં કંપની ચલાવતા સંચાલક સાથે તેમને ત્યાં જ નોકરી કરતા પૂર્વ કર્મચારી દ્વારા રૂ.33.42 લાખની ઠગાઈ કરાઈ હતી. અગાઉ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા આ કર્મચારીએ તેની પત્નીના નામે અન્ય કંપની ચાલુ કરી સંચાલકોની જાણ બહાર તેમની કંપનીમાંથી રૂપિયા પોતાની પત્નીની કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. નવા એકાઉન્ટન્ટ દ્વારા કંપનીના ચોપડાની ચકાસણી કરતા પૂર્વ કર્મચારીના કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
વડોદરાના ગદાપુરા વિસ્તારમાં આવેલી પેરિસનગર સોસાયટીમાં રહેતા યોગેશભાઈ ભગવતલાલ બનાતવાલા મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર છેલ્લા 10 વર્ષથી ભગવત લીલા વુડ ક્રાફટ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવે છે. વર્ષ 2019માં એમની કંપનીમાં એકાઉન્ટન્ટની જરૂરિયાત હતી ત્યારે તેઓએ રિકિન સુરેશ ગાંધી (રહે.સર્જન સોસાયટી અટલાદરા સન ફાર્મા રોડ વડોદરા)ને એકાઉન્ટન્ટ તરીકે નોકરી પર રાખ્યો હતો. જેનો કંપની સંચાલક દ્વારા એકાઉન્ટન્ટને દર મહિને રૂ. 12 હજાર પગાર પણ ચૂકવવામાં આવતો હતો. પરંતુ અગમ્ય કારણોસર વર્ષ 2023મા એકાઉન્ટન્ટ રિકિન ગાંધીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની જગ્યા પર નવા એકાઉન્ટન્ટ તરીકે અંકિતભાઈ દરજીને રાખવામાં આવ્યો હતો. નવા એકાઉન્ટન્ટે કંપનીના એકાઉન્ટના ચોપડાની ચકાસણી કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેમની કંપનીમાં અગાઉ એકાઉન્ટન્ટ તરીકે કરતા કરતા રિકિન ગાંધીએ તેની પત્નિ એકતા ગાંધીના નામ પર ભગવતી વૂડન પ્રોડકસ નામની કંપની ચાલુ કરી હતી. ત્યારબાદ સંચાલકોની જાણ બહાર તેમની કંપની ભગવત લીલા વુડ ક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીઝ માંથી રિકિન ગાંધીની પત્ની નામની ભગવતી વૂડન પ્રોડક્સના બેંક એકાઉન્ટમાં વર્ષ 2021થી 2023 સુધીમાં રૂ. 33.42 લાખ બારોબાર ટ્રાન્સફર કરી લઈ કંપની સંચાલકો સાથે છેતરપિંડી કરી છે. જેથી કંપની સંચાલકે ઠગાઈ કરનાર પૂર્વ કર્મચારી અને તેની પત્ની વિરુધ્ધ ઠગાઈની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Most Popular

To Top