શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક અને માથાભારે તત્વોનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી રીતે હત્યા કરાઈ હતી જેમાં બેદરકારી કરી દાખવનાર પોલીસ કર્મચારી ઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ પોલીસ અસામાજિક તત્વો પ્રત્યે ગંભીર થઈ નથી તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ત્યારે વધુ બે માથાભારે શખ્સો દ્વારા મકરપુરામાં ધંધો કરતા વેપારીના પુત્ર પર તલવાર સહિતના હથિયારો વડે હિંસક હુમલો કર્યો હતો. યુવકને લોહીલુહાણ હાલતમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જીજી માતાના મંદિર પાસે એક લારી પર વેપારીના પુત્ર વિકાસ કુમાર નિષાદ ઉપર અસામાજિક તત્વ સંદીપ જાદવ અને અન્ય એક આરોપી દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. જુના ઝઘડાની અદાવત રાખી આ યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચાર શખ્સોએ આ યુવક પર તલવાર લાકડીના ફટકા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને ત્વરિત સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલો પહોંચ્યો હતો. પોલીસે કાર્યવાહી ના કરતા આખરે ફરી મકરપુરામાં યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો.