કંઈક બળવાની દુર્ગંધ આવતા જીઈબીએ વીજ જોડાણ કાપ્યું :
ફાયર વિભાગ અને બેન્કના અધિકારીએ ઘટના અંગે મૌન સેવ્યું :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.19
વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી BSNLની ઓફિસ આવેલી યુનિયન બેન્કમાંથી ધુમાડો નીકળતો હોવાની મળેલી વર્ધીને આધારે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જોકે ફાયર બ્રિગેડનો ફોગટનો ફેરો રહ્યો હતો. ઘટના મામલે હાજર જવાબદાર વ્યક્તિઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
વડોદરામાં વરસાદી માહોલ ટાણે આગજનીના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર ફાયર બ્રિગેડનું તંત્ર હરહંમેશ ખડેપગે રહેતું હોય છે. ત્યારે શુક્રવારે સવારે આશરે 9:45 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ઉપર જયદીપભાઇ નામના વ્યક્તિએ ફોન કરી મકરપુરા જીઆઇડીસી બીએસએનએલ ઓફિસ પાસે પ્લોટ નંબર 990 પાસે આવેલી યુનિયન બેન્ક માં ધુમાડો નીકળી રહ્યો હોય તેવી વર્ધિ આપી હતી. જે માહિતીને આધારે ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ સ્થળ પર દોડી ગયા હતા. જોકે તપાસ કરતા ત્યાં કોઈ આગજની જેવી ઘટના જણાય આવી ન હતી માત્ર કંઈક બળી ગયું હોવાની દુર્ગંધ આવી રહી હોય તેઓએ જીઈબીને જાણ કરી હતી.જેથી સ્થાનિક જીઈબીના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બીજ જોડાણ કાપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સમગ્ર બનાવે ફાયર બ્રિગેડ નો આજનો ફેરો ફોગટ રહ્યો હતો. બીજી તરફ કદાચ કોઈ મોટી ઘટના બની હોત તો બેંકમાં મુકેલા ગ્રાહકોના નાણાં સહિતની ભારે માલ મત્તાની નુકસાની થાત એ વાતને પણ નકારી શકાય તેમ નથી. ત્યારે આ સમગ્ર બનાવને લઈને ફાયર બ્રિગેડના ફરજ પર હાજર કર્મીઓ તેમજ બેંકના જવાબદાર અધિકારીએ આ ઘટના અંગે મૌન સેવ્યું હતું.