ભાયલી વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધ સાથે ઠગાઈ, પોલીસ તપાસ તેજ
વડોદરા, તા. 28
વડોદરાના અટલાદરા વિસ્તારમાં મંદિરનું સરનામું પૂછવાના બહાને એક વૃદ્ધ સાથે ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે વાતોમાં વ્યસ્ત રાખી વૃદ્ધના ગળામાંથી સોનાની ચેન અને આંગળીની વીંટી આંચકી કારમાં સવાર સાથી સાથે ફરાર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોરબંદર ખાતે રહેતા મુકેશભાઈ લાલજી થાનકી (ઉમર 71) હાલ તેમના પુત્ર ધર્મેશ સાથે ભાયલી વિસ્તારમાં પ્રયોશા ગ્રીન ફ્લેટમાં રહે છે. ધર્મેશ રૂબામીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે. ધર્મેશે અટલાદરા યોગી રેસીડેન્સીમાં નવું મકાન ખરીદ્યું હોવાથી ત્યાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. મકાનનું કામ જોવા મુકેશભાઈ સવારના સમયે પગપાળા નીકળ્યા હતા.
સવારના અંદાજે પોણા દસ વાગ્યાના સુમારે સમન્વય સ્ટેટસ હોટલ સનરાઇઝ સામેના રસ્તા પર એક કાર ઊભી હતી, જેના પાછળ નંબર પ્લેટ લગાડેલી ન હતી. કારમાં બેઠેલા ડ્રાઇવરે મુકેશભાઈને રોકી મંદિર ક્યાં આવેલું છે તે પૂછ્યું. મુકેશભાઈએ પોતે પણ આ વિસ્તારના અજાણ્યા હોવાની વાત કરી. ત્યારબાદ ડ્રાઇવરે પોતાનો મોબાઇલ આપીને વાત કરાવી, જેમાં સામેથી અજાણ્યા વ્યક્તિએ આજુબાજુમાં મંદિર હોય તો બતાવવા કહ્યું.
આ દરમ્યાન ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલા ભભૂત લગાવેલા નાગા બાવાના વેશમાં એક શખ્સે મુકેશભાઈને કાર પાસે બોલાવ્યા. વાતોમાં વ્યસ્ત રાખી તકનો લાભ લઈ કારમાં બેઠા બેઠા બહાર હાથ કાઢી મુકેશભાઈના ગળામાંથી આશરે રૂ. 1.25 લાખની સોનાની ચેન અને રૂ. 25 હજારની સોનાની વીંટી ઝટકીને કાઢી લીધી.
ઘટના બાદ બંને શખ્સો કાર દોડાવી અટલાદરા નારાયણવાડી તરફ ફરાર થઈ ગયા હતા. આ અંગે મુકેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક અને નાગા બાવાના વેશમાં આવેલા શખ્સની શોધખોળ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.