જ્યુબેલીબાગ પાસેથી સ્ટીલની દાનપેટી સાથે ક્રાઈમ બ્રાન્ચે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને દબોચ્યો
પિતાની હાજરીમાં પૂછપરછ દરમિયાન મંદિર, દરગાહ અને રિક્ષામાં ચોરી કર્યાની કબૂલાત
વડોદરા, તા.20
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરો અને દરગાહોમાં મોડી રાત્રિના સમયે ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જ્યુબેલીબાગ વિસ્તારમાં સ્ટીલની દાનપેટી સાથે શંકાસ્પદ હાલતમાં ફરતા સગીરને પોલીસે દબોચી લીધો હતો. તેના પિતાને બોલાવી તેમની હાજરીમાં કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સગીરે અનેક ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હનુમાનજીના મંદિરો તેમજ દરગાહોને ટાર્ગેટ કરીને આભૂષણો અને દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરીની ઘટનાઓ વધી રહી હતી. મોડી રાત્રે લોકો ઊંઘી ગયા બાદ તસ્કર બંધ મંદિરોના તાળા તોડી ચોરી કરી ફરાર થઈ જતો હતો.
આ ઘટનાઓને ગંભીરતાથી લઈ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન એક શંકાસ્પદ સગીર નજરે પડ્યો હતો, જેને જ્યુબેલીબાગ પાસેથી સ્ટીલની દાનપેટી અને રૂ.4,500 રોકડ સાથે પકડવામાં આવ્યો હતો.
પૂછપરછમાં ખુલ્યું કે આરોપી સગીર છે. તેના પિતાની હાજરીમાં પૂછપરછ કરતાં તેણે છેલ્લા એક માસ દરમિયાન ઘડીયાળી પોળ, કોઠી પાસેના પીપળેશ્વર હનુમાનજી મંદિર, પાટડીયા પોળના સંકટમોચન હનુમાનજી મંદિર, ફતેપુરા અને કાલુપુરા નજીકના ચાર માતાના મંદિર તથા મહાકાળી માતાજીના મંદિરમાં તાળા તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત ફતેગંજની એક દરગાહમાંથી 10 છત્ર અને એક ચાંદીનું નાનું ઘર ચોરી કર્યાનું તેમજ ઓટો રિક્ષામાંથી પાકીટ ચોરી કર્યાનું પણ તેણે સ્વીકાર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે સગીર પાસેથી રૂ.4,500 રોકડ, ચાંદીના મુગટ બે, ચાંદીનું હનુમાનજીનું મુખ બે સહિત કુલ રૂ.8,500નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.