સુભાનપુરા હાઈટેન્શન રોડ પર સવારના સમયે ચેન સ્નેચિંગની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે.
વડોદરા, તા. 18
તાજેતરમાં વારસિયા વિસ્તારમાં વૃદ્ધ વેપારીને માર માર્યા બાદ આંખોમાં મરચાની ભૂકી નાંખી રૂ.10 લાખની લૂંટની ઘટના બાદ હવે વડોદરા શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના સુભાનપુરા હાઈટેન્શન રોડ પર આવેલી સમૃદ્ધિ ટેનામેન્ટમાં રહેતા મહિલા સવારના સમયે મંદિરે દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે ગઠિયાઓ તેમના ગળામાંથી અંદાજે રૂ.1.30 લાખની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા.
ફરિયાદી છાયાબેન દીપકભાઈ સોની (ઉ.વ. 41) છેલ્લા સત્તર વર્ષથી પતિથી અલગ પોતાની દીકરી સાથે રહે છે. 17 જાન્યુઆરીના રોજ સવારે આશરે 9 વાગ્યે તેઓ ઘરેથી થોડે આગળ આવેલા ગુણાતીત પાર્ક નજીકના શંકરજીના મંદિરે દર્શન કરવા એકલા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુણાતીત પાર્ક સોસાયટી પાસે એક બાઈક આગળથી આવ્યું હતું, જેમાં બે શખ્સો બેઠેલા હતા.
મહિલા કંઈ સમજે તે પહેલાં બાઈક પર પાછળ બેઠેલા શખ્સે તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન આંચકી લીધી હતી અને બંને ગઠિયા પૂરઝડપે બાઈક દોડાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાથી ગભરાઈ ગયેલા મહિલાએ બૂમાબૂમ કરી હતી, પરંતુ કોઈ મદદ પહોંચે તે પહેલાં જ ચેન સ્નેચર ફરાર થઈ ગયા હતા.
બાઈક પર પાછળ બેઠેલા શખ્સે લાલ-સફેદ પટ્ટાવાળું આખી બાહુનું સ્વેટર પહેરેલું હતું, માથા પર ટોપી અને મોઢે કાળા રંગનો રૂમાલ બાંધેલો હતો, જ્યારે બાઈક ચાલકે કાળા રંગનું જેકેટ અને માથા પર હેલ્મેટ પહેરેલું હતું. બંને કાળા રંગની વાદળી પટ્ટાવાળી બાઈક પર પંચામૃત ફ્લેટ તરફથી આવી સોનાની ચેન તોડી સી.એચ. વિદ્યાલય તરફ ભાગી ગયા હતા.
ઘટનાથી ડરી ગયેલા મહિલાએ તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે બંને ગઠિયાની શોધખોળ શરૂ કરી છે.