(પ્રતિનિધિ) વડોદરા તા.20
વડોદરા જિલ્લાના મંજુસર ગામમાં તળાવ પાસે કચરાપેટી માંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે તાજુ જન્મેલું બાળક કોણ મૂકી ગયું તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે અમૃત બાળકના મૃતદેહનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે.
સાવલી તાલુકાના મંજુસર ગામમાં આવેલા તળાવ પાસેની કચરાપેટી માંથી સોમવારે સવારે નવજાત શિશુ મળી આવ્યું હતું. જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. કચરાપેટીમાં નવજાત શિશુ પડ્યું હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. મંજુસર પોલીસને જાણ કરતા એક ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને નવજાત શિશુ કચરાપેટીમાં કોણ મૂકી ગયું હતું. તેની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે તાજુ જન્મેલું બાળક મૃત્યુ પામેલું હોય પોલીસ દ્વારા તેનું પીએમ કરાવવા માટે એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે.