વડોદરા તારીખ 6
સાવલી તાલુકાના મંજુસર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને રૂપિયા 44.94 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર તથા મોકલનાર મળીને ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. વિદેશી દારૂ, ટેમ્પો મોબાઈલ અને રોકડ રકમ મળી 65.18 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસને સુપ્રત કરાયો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં અવારનવાર દરોડા પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો તથા બુટલેગરોને ઝડપી પાડવામાં આવતા હોય છે. દરજીપુરા ખાતે બુટલેગર જુબેર મેમણે મંગાવેલો વિદેશી દારૂ કટીંગ કરાતો હતો ત્યારે એસએમસીએ રેડ કરી હતી. પરંતુ બુટલેગર અને તેના સાગરીતો દ્વારા એસએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના વળતા જવાબમાં એસએમસીના પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને બાતમી મળી હતી કે ગોવાથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા મંજુસર ગામમાં પહોંચ્યો છે અને દારૂનું કટીંગ કરવાનો છે. હાલમાં દારૂ ભરેલો ટેમ્પો મંજુસર ગામમાં કલ્યાણ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઉભો છે. જેના આધારે એસએમસીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે ટેમ્પામાંથી ચાલક સહિત બે જણા ઝડપાઈ ગયા હતા. તેમને નીચે ઉતારીને ટેમ્પામાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ મૂકેલી હતી. જેથી એસએમસીએ રૂપિયા 44.94 લાખનો વિદેશી દારૂ, ટેમ્પો રૂ. 20 લાખ અને બે મોબાઈલ અને રોકડ રકમ મળી રૂ.65.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરવા સાથે સુખલાલ ડીપાલજી ડાંગી અને દોલતરામ હરીરામ ડાંગી ( બંને રહે.રાજસ્થાન)ને ઝડપી આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર મળી ચાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
