ફાયર લાશકરો દ્વારા આસપાસના ઉદ્યોગોને પણ ચેતવણી આપીને સતર્ક કરવામાં આવ્યા :
આગમાં કરોડોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ઔદ્યોગિક વસાહતમાં સલ્ફર બનાવતી કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આસપાસના ઉદ્યોગોની પણ ચિંતા વધી હતી. જોકે ફાયરબ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સુમારે મંજુસર વિસ્તારમાં આવેલી મારુતિ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા વડોદરા તેમજ મંજુસર GIDCના ફાયર બ્રિગેડના લાશકરો સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જઈને તપાસતા સલ્ફરનું ઉત્પાદન કરતી કેમિકલ કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઇને ફાયર લાશકરો દ્વારા આસપાસના ઉદ્યોગોને પણ ચેતવણી આપીને સતર્ક કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. ઉતરાયણના એક દિવસ પહેલા બનેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે લાગેલી આગમાં કરોડોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે