Vadodara

વડોદરા : ભારદારી વાહનો માટે નિશ્ચિત સમય અને ગતિ મર્યાદાની સૂચના

પોલીસ કમિશનર દ્વારા ભારદારી વાહનોથી થતાં અકસ્માતોને લઇ પાલિકા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજાઇ

પ્રતિનિધિ વડોદરા તા.12
વડોદરા શહેરમાં ભારદારે વાહનો દ્વારા સર્જાતા અકસ્માતો ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા મહાનગર પાલિકાના અધિકારીઓ તથા કોન્ટ્રાકટરો સાથે ભારદારી વાહનોથી થતાં અકસ્માત અટકાવવા બાબતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભવિષ્યમાં પણ આ પ્રકારના અન્ય પગલાઓ ભરી પાલિકા તથા વિટકોસ સહિતના ભારદારી વાહનો દ્વારા અકસ્માત ન થાય તેના માટે ભારે વાહનો નિશ્ચિત કરેલા સમયગાળા દરમ્યાન જ શહેર વિસ્તારમાં પ્રવેશ કરવા સાથે વાહનો ધીમી ગતિ રાખે, ભારે વાહનો માટે નો ઓવરટેક, નો હોમ, નિશ્ચિત લેનમાં વાહન હંકારવું તેવી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યાં વધી રહી છે. જેમાં મોટાભાગે ભારદારી વાહનોને કારણે એક્સિડન્ટ થતા હોય છે, જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ત્યારે અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે ભારદારી વાહનોથી થતાં અકસ્માત અટકાવવા બાબતેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અધિક પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક-પૂર્વ, મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિકશાખા પૂર્વ-પશ્ચિમ, વડોદરા શહેર તેમજ વડોદરા મહાનગર પાલિકાના મિકેનીકલ એન્જીનીયર સહિત વિટકોસ સિટી બસસર્વિસના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હાજર રહ્યાં હતા.
જેમાં પાલિકા તેમજ પોલીસ વિભાગના સંકલનથી ભારદારી વાહનોના અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે અધિકારી અને કર્મચારીઓને સંવેદનશીલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને ભારદારી વાહનો, વિટકોસ સિટીબસ ગાર્બેજ કલેક્શન વાન અને પાલિકાના ઉપયોગમાં લેવામાં આવતા વાહનો દ્વારા થતાં અકસ્માતો ન સર્જાય માટે ચર્ચા કરી સુચનાઓ આપવામાં આવી છે. જેમાં ભારે વાહનો નિશ્ચિત કરેલા સમયગાળા દરમ્યાન જ શહેર વિસ્તારમાં પ્રવેશ કરે, શહેર વિસ્તારમાં ભારદારી વાહનો ઓછી ગતિ રાખે, ભારે વાહનો માટે નો ઓવરટેક, નો હોમ, નિશ્ચિત લેનમાં વાહન હંકારવું. ડ્રાઇવરની સાથે ફરજીયાતપણે એક હેલ્પરની નિયુક્તિ કરવી, વાહનોએ સેફ ડિસ્ટેન્સ જાળવવું, વિટકોસ સિટી બસ નિર્ધારીત સમયે નિકળી નક્કી કરેલા બસ સ્ટેન્ડ ઉપર ઉભી રહે તે સુનિશ્ચિત કરવું અને બસ સ્ટેન્ડ ઉપરના દબાણો દુર કરવા ઉપરાંત વાહનોની સાફ સફાઇ કરવા અને સમયાંતરે તેમનુ ફીટનેસ ચેક કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top