પ્રતિનિધિ વડોદરા તા.23
ચેમ્પિયન ટ્રોફીના ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ દરમિયાન વડોદરા શહેરમાં કોઇ અનિચ્છ્નીય બનાવ ના બને તેના માટે જોઇન્ટ પોલીસ કમિશનર તેમજ ડીસીપી ઝોન 3-4 અને ડિવિઝનના એસીપી, વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઇ, સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ કાફલાએ સિટી વિસ્તારમાં ચેકિંગ સાથે ફુટ પેટ્રોલિંગ કરાયુ હતું.
હાલમાં ચેમ્પિયન ટ્રોફી માટે અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે મેચો રમાઇ રહી છે. ત્યારે ક્રિકેટ ઇતિહાસમાં કટ્ટર પ્રતિસ્પર્ધ એવી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચા 23 ફેબ્રુઆરીના રોજ બપોરના 2.30 વાગ્યા સુધી શરૂ થઇ છે. જેમાં પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ શરૂ કરી હતી. જ્યારે ભારતે પોતાની બોલિંગ લાઇનમાં સારુ એવુ પ્રદર્શન બતાવી ઓછા રનમાં વિકેટો પાડીને સમેટી લીધું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આજે બપોરથી ટીવી સામે ગોઠવાઇ ગયા હતા. પરંતુ મેચ દરમિયાન હાર જીત તો થવાની છે ત્યારે આ હારજીતના કારણે શહેરના શાંતિમય માહોલમાં કોઇ પલીતો ન ચીપાય તથા વાતાવરણ ન ડહોળાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા સિટી વિસ્તારમાં સઘન ફુટ પેટ્રોલિંગ કરવા માટે સૂચના અપાઇ હતી. જેના આધારે જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ, ડીસીપી ઝોન -4 પન્ના મોમાયા તથા ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા તેમજ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફ સહિતના કાફલા દ્વારા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જેસીપી ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન કોઇ અનિચ્છનીય ન બને માટે તકેદારીના ભાગરૂપે વિસ્તારમાં ચેકિંગ સાથે ફુટ પેટ્રોલિંગ કરાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પર પણ પોઇન્ટ બેસાડાયા છે. ઉપરાંત શાંતિપૂર્ણ માહોલમાં ક્રિકેટ મેચ સંપન્ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
