Vadodara

વડોદરા : ભારતનો પાકિસ્તાન સામે વિજય, માંડવી વિસ્તારમાં ક્રિકેટ રસિકો ઉમટ્યા, તિરંગો લહેરાવી કરી ભવ્ય ઉજવણી

ક્રિકેટ રસિકોએ “મોદી મોદી” ના પણ નારા લગાવ્યા :

એક તરફ મોદીએ ઈતિહાસ રચ્યો, બીજી તરફ ભારતે પાકિસ્તાનને પછાડતા વડોદરાના સમર્થકોમાં ઉત્સાહ બેવડાયો :

( પ્રતિનિધિ ) વડોદરા તા.10

દેશમાં એક તરફ વડાપ્રધાન મોદીએ ઇતિહાસ રચ્યો છે. સતત ત્રીજી વખત તેઓ પીએમ બન્યા છે. એક તરફ શપથવિધિ યોજાઈ રહી હતી. તો બીજી તરફ ભારત પાકિસ્તાન વચ્ચેની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થતા રાત્રે 1:00 વાગે માંડવી વિસ્તારમાં ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા હતા. તિરંગો લહેરાવી જીતની અનોખી ઉજવણી કરી હતી.

રવિવારે કેન્દ્રમાં એનડીએની સરકારના પ્રધાનોએ પીએમ મોદીના વડપણ હેઠળ શપથ લીધા હતા. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં રવિવારે સાંજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. એક તરફ શપથ વિધિ ચાલી રહી હતી. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી વર્લ્ડકપની ક્રિકેટ મેચ યોજાઇ હતી. રવિવારે યોજાયેલા હાઈ વૉલ્ટેજ જંગમાં ભારત ફરી મજબૂત સાબિત થયું હતું. પાકિસ્તાનને 6 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ પોઇન્ટ ટેબલમાં ભારત પ્રથમ ક્રમે આવી ગયું છે. બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ પાકિસ્તાનએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. વરસાદના વાતાવરણ વચ્ચે ભારત 119 રનમાં આઉટ થઈ ગયું હતું. 20 ઓવર પણ પૂરી રમી શક્યું ન હતું. ભારત તરફથી ટોચના બેટ્સમેન નિષ્ફળ ગયા હતા. માત્ર રિષભ પંત એકલો જ ઉભો રહ્યો હતો. તેણે 31 બોલમાં છ ચોગ્ગા સાથે 42 રન ફટકાર્યા હતા અને પ્રતિષ્ઠા જાળવી રાખી હતી. જ્યારે ભારતના બોલરોએ રંગ રાખ્યો હતો. બુમરાહની બોલિંગ અસરકારક જોવા મળી હતી. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. અંતે પાકિસ્તાન સામે ભારતનો 6 રને વિજય થયો હતો. ત્યારે વડોદરામાં ભારતની જીતની શાનદાર ઉજવણી થઈ હતી. મોડી રાત્રે એક વાગ્યે માંડવી વિસ્તારમાં ક્રિકેટ રસીકો તિરંગો લઈ ઉમટી પડ્યા હતા. બાઈકો ઉપર વિવિધ નારા લગાવ્યા હતા. જ્યારે કેટલાક ક્રિકેટ રસિકોએ તો મોટી સંખ્યામાં ટોળે વળી તિરંગો ફરકાવી ભારતની જીત અને મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાની ભવ્ય ઉજવણી કરી હતી.

Most Popular

To Top