નિર્દોષ લોકોને હેરાન કરવાનો અમારો કોઇ પણ ઇરાદો નથી. એટલા માટે બીજા કોઇએ ભયભીત થવાની કોઇ જરૂરત નથી : કોર્પોરેટર
વડોદરાના ચકચારી ભાયલી ગેંગ રેપ કેસના મુખ્ય આરોપી મુન્ના બનજારાના તાંદલજા કાળી તલાવડી સ્થિત મકાનના પાણી, ડ્રેનેજ અને વિજ કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર, મંજુરી લીધા બાદ જ ડિમોલીશન કરી શકાય. દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ પાલિકા દ્વારા આરોપીઓના ઘરને નોટીસ પાઠવવામાં આવી હતી. તે પૈકી કેટલાક ભાડાના મકાનમાં રહેતા હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા આજે કરવામાં આવેલી કાર્યવાહીની સ્થાનિકો સરાહના કરી રહ્યા છે.
વડોદરાના ભાયલી ગેંગ રેપ કેસમાં મુખ્ય આરોપી મુન્ના બનજારાની મુશ્કેલીઓ વધી છે. આજે પાલિકા તંત્ર દ્વારા તેના તાંદલજા સ્થિત નિવાસ સ્થાને પાણી, ડ્રેનેજ અને વિજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંગે વોર્ડ નં – 10 ના ભાજપના કોર્પોરેટર નિતીન દોંગાએ જણાવ્યું કે, હાલમાં સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન આપી છે કે, કોઇ પણ ડિમોલીશન કરવું હોય તો મંજુરી લેવી પડશે. તે અંગે અમે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા જવાના છીએ. હાલ ડ્રેનેજ પાણી અને વિજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. મેં પહેલા બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આરોપીઓ સિવાય બીજા કોઇ પણ નિર્દોષ લોકોને હેરાન કરવાનો અમારો કોઇ પણ ઇરાદો નથી. એટલા માટે બીજા કોઇએ ભયભીત થવાની કોઇ જરૂરત નથી. પાલિકાના કર્મીએ જણાવ્યું કે, બાંધકામ શાખા દ્વારા આ મકાન ગેરકાયદેસર હોવા અંગેની નોટીસ પાઠવી હતી. અત્યારે ઘરનું પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. મકાન દુર કરવા અંગે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. હમણાં તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ વોર્ડ કક્ષાએ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. સ્થાનિક સર્વેએ જણાવ્યું કે, એકતાનગર, કાળી તલાવડીમાં અમે રહીએ છીએ. ગેંગ રેપ કેસના આરોપી મુન્ના બનજારાને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાહેબે કહ્યું છે કે, તેમના લીધે બીજાને કોઇ તકલીફ આપવી જરૂરી નથી. હાલમાં આરોપીના મકાનનું પાણી, ડ્રેનેજ અને વિજ કનેક્શન દુર કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા જે કંઇ કરવામાં આવી રહ્યું છે તે બરાબર છે. આરોપીઓને રોડ પર ફાંસી આપી દેવી જોઇએ. આરોપીને જાનથી મારી દો, તેના પાપ તેના માથે છે, તેના ઘરવાળા રખડી પડશે, તેમના તરફ જોવું જોઇએ.