વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા પિતા અને પુત્રીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પાડોશીએ જાણ કરતા તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થ સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પિતા-પુત્રી કયા કારણોસર આપઘાત કરી તેનું કારણ જાણવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા.
મુળ રાજકોટના ચિરાગ મુકેશભાઇ બ્રહ્માણી પોતાની 9-10 વર્ષીય દીકરી જસ્વીન સાથે વડોદરા શહેરના ભાયલી સ્થિત આવેલી ધી પ્લોરેન્સ નામની ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા. બીજા માળ પર આવેલા બી-203 રૂમ નંબરમાં છેલ્લા દોઢ બે મહિનાથી પિતા અને પુત્રી રહેતા હતા દરમિયાન 23 ઓગષ્ટના રોજ સવારના સમયે પિતા બહારથી લસ્સી લઇને આવ્યા હતા. ત્યારબાદ અગમ્યા કારણોસર પિતાએ લસ્સીમાં કોઇ ઝેરી દવા ભેળવીને દીકરીને પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરવાળી લસ્સી પી લીધી હતી. પાડોશમાં રહેતા લોકોને ચિરાગભાઇના મકાનમાં કોઇ પ્રકારનો અવાજ ન આવતો હોય શંકા ગઇ હતી કે જેથી તેઓ તેમના ઘરમાં તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે દરવાજો ખુલ્લો હોય તેઓ અંદર જઇને જોતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. પિતા અને પુત્રી બંને મૃત હાલતમાં પડેલા હતા. જેથી તેઓએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. ઘરમાં તપાસ કરતા પિતા અને પુત્રી સિવાય કોઇની હાજરી જોવા મળી ન હતી. જેથી પોલીસે બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ચિરાગભાઇ બ્રહ્માણીએ કયા કારણોસર આ પગલુ ભર્યું તેની વિગતો બહાર આવી નથી. જેથી પોલીસે પિતા-પુત્રીના આપઘાતનું કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરવા પ્રયાસ કર્યો હતો.