Vadodara

વડોદરા : ભાડે ફેરવવા લીધેલી ખેડૂતની કાર ઠગ દ્વારા બારોબાર સગેવગે

કમલાપુરાના યુવકની સ્કોર્પિયો કાર બે દિવસ માટે લઈ ગયો, ચાર દિવસ સુધી પરત ન આપતા શંકા ઊભી
જીપીએસ ટ્રેક કરતા છેલ્લું લોકેશન રાજસ્થાનના પોખરણમાં મળ્યું

વડોદરા, તા.20
વાઘોડિયા તાલુકાના કમલાપુરા ગામે રહેતા ખેડૂત યુવકની સ્કોર્પિયો કાર ભાડે લઈ જનાર શખ્સે કાર બારોબાર સગેવગે કરી હોવાની ઘટના સામે આવી છે. કાર બે દિવસ માટે ભાડે લેવામાં આવી હતી, પરંતુ ચાર દિવસ વિત્યા છતાં કાર કે ભાડાની રકમ પરત ન આપતા અંતે કાર માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કમલાપુરા ગામે રહેતા નિકુલભાઈ જયેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે સ્કોર્પિયો કાર ખરીદી હતી. ગત 7 જાન્યુઆરી, 2026ના રોજ તેમના કાકાના દીકરા બંટી દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેનો મિત્ર મોહિત બલવા, જે ગુરુકુલ મોર રોડ, ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં રહે છે અને ભાડે કાર આપવાનો વ્યવસાય કરે છે, તેને બે દિવસ માટે સ્કોર્પિયો કાર ભાડે જોઈએ છે. બે દિવસના ભાડા પેટે રૂ.10,000 આપવાનું નક્કી થયું હતું.
મોહિત બલવા કાર પરત આપતી વખતે ભાડાની રકમ ચુકવવાનો વચન આપીને સ્કોર્પિયો કાર લઈ ગયો હતો. 9 જાન્યુઆરીએ કાર અને ભાડાની રકમ બાબતે પૂછપરછ કરતા તેણે બે દિવસ બાદ પરત આપવાનું જણાવ્યું હતું. જોકે ત્યારબાદ મોહિત બલવાએ ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું અને કાર ક્યાં છે તે અંગે પણ કોઈ માહિતી આપી નહોતી.
આથી નિકુલભાઈ તેમના ભાઈ બંટી સાથે વડોદરા આવી મોહિતના ઘરે ગયા હતા, પરંતુ તે હાજર મળી આવ્યો ન હતો. સતત ફોન કરવા છતાં સંપર્ક ન થતા કારમાં લગાવેલી જીપીએસ સિસ્ટમ તપાસતા પહેલા પાલનપુર અને મહેસાણા બાદ છેલ્લું લોકેશન રાજસ્થાનના પોખરણ ખાતે દર્શાવતું હતું.
આ સમગ્ર ઘટનાથી મોહિત બલવાએ કાર બારોબાર સગેવગે કરી નાખી હોવાની આશંકા ઉભી થઈ હતી. જેના આધારે કાર માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જીપીએસ લોકેશનના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top