પ્રતિનિધિ વડોદરા તા.12
લોકો પાસેથી માસીક ભાડેથી ફોર વ્હીલ વાહનો ફેરવવા માટે લીધા બાદ બારોબાર સગેવગે કરવાના ગુનાઓમાં સંડોવાયેલા અને અંકલેશ્વર ખાતે છેતરપિંડીના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. આગળની કાર્યમાહી માટે આરોપીને અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો
ક્રાઇમ બ્રાન્ચની ટિમે નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં કરતી હતી. તે દરમિયાન બાતમી આધારે ગોલ્ડન ચોકડી નજીક સંગમ હોટેલ પાસેથી શંકાસ્પદ શખ્સ દિવ્યરાજસિંહ વિજયસિંહ ચૌહાણ (ઉ.વ.૩૩ રહે. પ્રતાપગંજ સોસાયટી, કારેલીબાગ વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા ભરૂચ જીલ્લાના અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હતો. જેથી આરોપીને આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણ તથા તેના સાગરીતે ફોર વ્હીલ કાર કોંટ્રાકટમાં મુકવાનું જણાવી ત્રણ વર્ષ માટે માસીક રૂ.18 હજારના ભાડાથી કરાર કરી વર્ષ 2021 માં ફોરવ્હીલ ગાડી આરોપીઓ લઇ ગયા બાદ ત્રણ મહીના સુધી તુટક તૂટક ભાડુ આપી ત્યારબાદ ભાડુ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ આરોપીઓએ ભાડેથી મેળવેલી કાર બારોબાર મહેસાણા ખાતે માલિકની જાણ બહાર ગીરવી મુકી છેતરપિંડી આચરી હતી. પરંતુ ધરપકડથી બચવા માટે છેલ્લા અઢી વર્ષથી આરોપી દિવ્યરાજસિંહ નાસતો ફરતો હતો. આરોપીનો ગુનાહીત ભૂતકાળ ધરાવે છે. આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણ સાગરીત સાથે મળી નાગરીકો પાસેથી ફોરવ્હીલ ગાડીઓ માસિક ભાડા પેટે મેળવી માલિકોની જાણ બહાર ભાડેથી લીધેલી વાહનો ગિરવે મુકી સગેવગે કરી છેતરપિંડી કરવાના 4 ગુનાઓમાં પકડાયો છે.તે ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારવાના ગુના નોંધાયેલા છે.