Vadodara

વડોદરા : ભાજપ નેતાના ભાઈ સહિતની ગેંગ દ્વારા મારામારી કરાઈ, વિડીયો પણ વાયરલ થયો છતાં FIR કેમ ના દાખલ થઈ ?

કરજણમાં સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ, બંદૂક તાકી અને ધારીયાથી હુમલો કર્યો હોવાની ચર્ચા

ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજીમાં પણ ખસેડાયા તેમ છતાં કોના ઇશારે મામલો કેમ દબાવી દેવાયો ?

વડોદરા, તા. 27
વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગુંડાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભાજપ નેતા ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર સામે કંપનીના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મારામારી ના વિડીયો વાયરલ પણ થયા છતાં કોના ઇશારે સમગ્ર મામલાને દબાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
માહિતી મુજબ, કલ્પેશ ડાંગર પોતાના સાથીદારો સાથે કંપનીમાં સામાન લેવા પહોંચ્યા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડ દ્વારા સામાન આપવાનો ઇનકાર કરાતા બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર બની મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આક્ષેપ મુજબ, કલ્પેશ ડાંગર અને તેની સાથે રહેલા કલ્પેશ ડાંગર સહિતના લોકોએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં ફાયરિંગ થયાની ચર્ચા સામે આવી હતી, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે રિવોલ્વર માત્ર તાકી હતી, ફાયરિંગ થયું નહોતું. માર મારવા સાથે ધારીયાથી કરાયેલા આ હુમલામાં સિક્યુરિટી ગાર્ડ ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ હાજર હોવા છતાં સમયસર હસ્તક્ષેપ ન થતાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. ભોગ બનેલા સિક્યુરિટી ગાર્ડે પણ દાવો કર્યો છે કે કલ્પેશ ડાંગરે રિવોલ્વર કાઢી હતી, જોકે ફાયરિંગ કર્યું નહોતું. રિવોલ્વર અને ધારિયું કાઢવામાં આવ્યું હતું તેમ છતાં પોલીસ દ્વારા આર્મ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવાની તસ્દી લેવામાં આવી નથી. ત્યારે પોલીસ દ્વારા હુમલાખોરોનો લૂલો બચાવ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.

કલ્પેશ ડાંગર પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે પણ તેણે તાકી નથી કે ફાયરિંગ પણ કર્યું નથી : પીઆઈ

કરજણ પીઆઇ બી.એમ. પટેલે જણાવ્યું હતું કે સામાન લેવા મુદ્દે થયેલી મારામારીમાં કોઈ ફાયરિંગ થયું નથી. તેમણે વધુમાં કહ્યું કે કલ્પેશ ડાંગર પાસે રિવોલ્વરનું લાયસન્સ છે અને તેણે કોઈને રિવોલ્વર બતાવી નથી. હાલ સુધી આ મામલે કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નથી. અમે પહેલા ફાયરિંગની અફવા થઈ અને હવે બંદૂક તાકી હોવાની વાતો ચાલી રહી છે પરંતુ અમે ઘટના સ્થળ પર જઈને તપાસ કરી છે કોઈની સામે બંદૂક તાકી નથી કે ફાયરિંગ પણ કર્યું નથી.

લાયસન્સ વાળી રિવોલ્વરથી કોઈને ધાક ધમકી આપવામાં આવે તો આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ શકે છે

કાયદાના નિષ્ણાતોના મત મુજબ ભલે લાયસન્સ વાળી રિવોલ્વર વ્યક્તિ ધરાવતા હોય પરંતુ જો આ વ્યક્તિ દ્વારા રિવોલ્વર નો કોઈને ધાક ધમકી આપવા માટે ઉપયોગ કરવામાં આવે તો લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ સામે પણ ગુનો આર્મ્સ હેઠળ નોંધી શકાય છે.

કલ્પેશ ડાંગરે સિલ્વર કલરની રિવોલ્વર કાઢી મારી સામે તાકી હતી, ત્યારબાદ તેના સાગરીતોએ આવી મને માર્યો હતો

શાનુ રાજેન્દ્ર પિલ્લઈએ જણાવ્યું હતું કે જ્યારે કલ્પેશભાઈ આવ્યા ત્યારે અમે ગેટની બહાર ઉભા હતા. તે સમયે તેમણે કવર સાથે રિવોલ્વર કાઢી, બાદમાં કવરમાંથી બંદૂક બહાર કાઢીને મારી તરફ તાકી હતી. ફાયરિંગ કરવામાં આવ્યું નહોતું, પરંતુ રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન બે સિંધી વ્યક્તિઓ દોડી આવ્યા અને મારી પર હુમલો શરૂ કર્યો. એક વ્યક્તિ ધારિયું લઈને આવ્યો હતો. જ્યારે બીજો દંડો લઈને મને મારવા માટે આવ્યો હતો અને બંનેએ મળીને માર માર્યો હતો. ત્યારબાદ ભાજપના નેતા ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર રાજેશ ડાંગર બે સિંધી અને એક ભરવાડ હાજર હતા.

ભાજપના નેતા ભરત ડાંગરે જણાવ્યું હતું કે સિક્યુરિટી બબાલ થઈ હતી. જેમાં કલ્પેશભાઈ દ્વારા કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. આ ઘટના બાબતે કોઈ ફરિયાદ પર નોંધાઈ નથી અને તેમના વચ્ચે સમાધાન પણ થઈ ગયું છે.

Most Popular

To Top