ફેસબુક પોસ્ટે રાજકીય ગરમાવો વધાર્યો
શહેર પ્રમુખની પસંદગીને લઈને સોશિયલ મીડિયા પર ધારાસભ્યની પોસ્ટ
વડોદરામાં ભાજપના સંગઠનના આંતરિક મતભેદો ફરી એકવાર ચમક્યા છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે તેમની તાજેતરની ફેસબુક પોસ્ટ દ્વારા શહેર પ્રમુખની પસંદગીને લઈને તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આ પોસ્ટ પછી શહેરના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ધારાસભ્ય યોગેશ પટેલે ફેસબુક પર પોસ્ટ કરી લખ્યું કે, “વડોદરાના નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના, ભાજપના અધ્યક્ષ તરીકે સર્વ વૈષ્ણવ જનને સર્વમાન્ય સર્વેના, નહી કે સ્વના વિકાસ માટે કાર્યરત રહે તેવી યોગ્ય પ્રતિભાની પસંદગી થાય એવી અભ્યર્થના, નવા કાર્યાલયની ઘેલછા રાજકીય હારાકિરી પુરવાર થઈ.” આ પોસ્ટમાંથી સ્પષ્ટ થાય છે કે તેઓ વર્તમાન શહેર પ્રમુખથી નિરાશ છે અને તેથી તેમણે આ સળી કરી છે.
આ પહેલાં પણ ધારાસભ્ય યોગેશ પટેલ અનેકવાર વિવાદોમાં રહ્યા છે. શહેર પ્રમુખની પસંદગી, ગૃપવાદ અને સંગઠનના નિર્ણયો અંગે તેઓ ખૂલ્લી ટકોર કરતા રહે છે. લોકસભા ચૂંટણી વખતે પણ જ્યારે રંજનબેન ભટ્ટના સ્થાને ડૉ. હેમાંગ જોશીનું નામ સામે આવ્યું ત્યારે યોગેશ પટેલે અસંતુષ્ટતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, જ્યારે હેમાંગ જોશી પ્રચાર માટે તેમની વિધાનસભામાં ગયા ત્યારે યોગેશ પટેલે ખુદ તેમને ખેસ પહેરાવવાનું પણ ટાળ્યું હતું.
યોગેશ પટેલની તાજેતરની પોસ્ટ પછી શહેર ભાજપમાં જૂથવાદની ચર્ચાઓ ફરી જીવીત થઈ છે. થોડા દિવસો પહેલા એક ખાનગી હોટલમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓની મિટિંગ પણ યોજાવાની હતી, જેમાં યોગેશ પટેલનું નામ ઉછળ્યું હતું. હવે જ્યારે આગામી દિવસોમાં શહેર ભાજપના નવા પ્રમુખની જાહેરાત થવાની છે, ત્યારે આ પોસ્ટ રાજકીય અફવાઓને વધુ વેગ આપી રહી છે.
યોગેશ પટેલે ફરી એકવાર પાર્ટીના આંતરિક પ્રશ્નો સોશિયલ મીડિયામાં લાવીને વિવાદ ઉભો કર્યો છે. તેમના નિવેદનોને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં પણ બે મત જોવા મળી રહ્યા છે. જો કે, આગામી સમયમાં શહેર પ્રમુખની પસંદગી અને સંગઠનના નિર્ણયો ભાજપમાં મતભેદ વધુ ઉંડા કરશે કે સમાધાન તરફ જશે, તે જોવું રસપ્રદ રહેશે.
