“માફી માંગશે તો પણ માફ નહીં કરું, જરૂર પડીએ રાજીનામું આપી દઈશ” નિલેશ રાઠોડની ખુલ્લી ચીમકી; વોર્ડ નં-15ના રાજકારણમાં ગરમાવો
ગુરુ અને ગોડફાધરની રમત: લિંબાચીયાની વાપસી પાછળ ‘મોટા માથા’ હોવાનો આક્ષેપ, સમય આવશે ત્યારે તમામ ‘ચિઠ્ઠા’ ખોલવાની તૈયારી
વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા ભાજપમાં ભડકો થયો છે. અઢી વર્ષ પૂર્વેના ચર્ચિત ‘પત્રિકા કાંડ’માં સસ્પેન્ડ થયેલા અલ્પેશ લિંબાચીયાની પક્ષમાં વાપસી થતાં જ પૂર્વ મેયર નિલેશ રાઠોડે બગાવતી તેવર અપનાવ્યા છે. રાઠોડે માત્ર નારાજગી જ વ્યક્ત નથી કરી, પરંતુ પક્ષના મોવડીમંડળને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો સ્થિતિ નહીં સુધરે તો તેઓ જલદ પગલાં ભરશે.
પૂર્વ મેયર નિલેશ રાઠોડે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, “પક્ષમાં કોને લેવા તે સંગઠનનો નિર્ણય હોઈ શકે, પણ લિંબાચીયાએ જે રીતે છરી હલાવી છે તે ભૂલી શકાય તેમ નથી. જો તે મારી પાસે માફી માંગવા આવશે તો પણ હું તેને ક્યારેય માફ નહીં કરું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, લિંબાચીયાની વાપસી પાછળ તેમના કોઈ ‘ગુરુ’ કે ‘ગોડફાધર’નો હાથ છે, પરંતુ સમય આવ્યે લિંબાચીયાના તમામ કાળા ચિઠ્ઠા પ્રદેશ નેતાગીરી સમક્ષ ખુલ્લા પાડવામાં આવશે.
સૌથી મોટો વિવાદ વોર્ડ નંબર-15ની ટિકિટને લઈને છે. નિલેશ રાઠોડે સ્પષ્ટ કર્યું છે કે, લિંબાચીયાની વાપસી અંગે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, “જો પાર્ટી અલ્પેશ લિંબાચીયાને ચૂંટણીમાં ટિકિટ આપશે અથવા અમારી રજૂઆતોને ધ્યાને નહીં લેવામાં આવે, તો હું પક્ષમાંથી રાજીનામું આપી દઈશ.”
બીજી તરફ, આ વિવાદના કેન્દ્રમાં રહેલા અલ્પેશ લિંબાચીયા હાલ મીડિયાથી અંતર જાળવી રહ્યા હોય તેવું જણાય છે. અમારા પ્રતિનિધિ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તેમનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, જે ‘ગોડફાધર’ના પ્રભાવથી તેમની વાપસી થઈ છે, તેમની જ સૂચનાથી લિંબાચીયા હાલ કોઈ પણ વિવાદિત નિવેદનથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
નિલેશ રાઠોડ: ‘અડગ અને આક્રમક’
”વડોદરાના રાજકારણમાં પૂર્વ મેયર નિલેશ રાઠોડનો સ્પષ્ટ અને કડક અવાજ. પક્ષના નિર્ણય સામે પોતાની સૈદ્ધાંતિક લડાઈ લડતા રાઠોડે સાફ કરી દીધું છે કે ગદ્દારી સામે કોઈ બાંધછોડ નહીં થાય. જે દર્શાવે છે કે તેમના માટે પદ કરતાં સ્વાભિમાન અને કાર્યકરોનો વિશ્વાસ સર્વોપરી છે.”
–અલ્પેશ લિંબાચીયા: ‘રહસ્યમય વાપસી’
”લાંબા વનવાસ બાદ ભાજપમાં પુનરાગમન કરનાર અલ્પેશ લિંબાચીયા હાલ વિવાદોના વંટોળ વચ્ચે ‘વેઇટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહ્યા છે. વિરોધના સૂર વચ્ચે તેમનું મૌન અને મીડિયાથી અંતર ઘણું બધું કહી જાય છે. શું આ મૌન કોઈ મોટી રાજકીય રણનીતિનો ભાગ છે કે પછી ‘ગોડફાધર’ના ઈશારે ખેલાઈ રહેલી શાંત ચાલ?
રાજકીય વિશ્લેષણ: શું ભાજપને જૂથબંધી નડશે?
વડોદરા ભાજપમાં હાલ જે પ્રકારનું વાતાવરણ છે તે જોતા લાગે છે કે ટિકિટ વિતરણ પહેલા જ પક્ષમાં બે ફાંટા પડી ગયા છે. એક તરફ સંગઠન અને અમુક પ્રભાવશાળી નેતાઓ લિંબાચીયાને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ પૂર્વ મેયર અને અનેક કાર્યકરોમાં ભારે રોષ છે. જો આ આંતરિક અસંતોષને સમયસર ડામવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં ભાજપ માટે “ઘરના જ ઘાતકી” સાબિત થઈ શકે છે.