ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ઉઠેલા અસંતોષને ડામવા પ્રદેશ નેતૃત્વ મેદાને; ‘જીત સિવાય કંઈ ખપશે નહીં’નો સ્પષ્ટ સંદેશ



વડોદરા: રાજ્યમાં આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વડોદરાના રાજકીય ફલક પર મોટી હલચલ જોવા મળી છે. વડોદરા શહેરની એક ખાનગી હોટલમાં ગૃહ રાજ્યમંત્રી અને ભાજપના યુવા નેતા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ, મુખ્ય દંડક, મંત્રીઓ તેમજ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ પ્રમુખો સહિતના પક્ષના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના પગલે શહેરના રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટેનું માઇક્રો પ્લાનિંગ કરવાનો હતો. બેઠકમાં હર્ષ સંઘવીએ ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને પૂર્વ નેતાઓ સાથે ચૂંટણીલક્ષી આયોજનો અંગે ગહન ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને જ્યારે પક્ષ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સંભવિત આંતરિક અસંતોષ કે નારાજગીને દૂર કરવા માટે પ્રદેશ નેતૃત્વએ આક્રમક અભિગમ અપનાવ્યો હોય તેમ જણાય છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ટિકિટ વિતરણ બાદ પક્ષમાં કોઈ પણ પ્રકારનું વિરોધનું વાતાવરણ ન સર્જાય અને તમામ કાર્યકરો એકજૂથ થઈને ચૂંટણી મેદાનમાં ઉતરે તે સુનિશ્ચિત કરવા માટે હર્ષ સંઘવીએ આ બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્થાનિક આગેવાનોને મેસેજ આપી દીધો છે કે, પક્ષ માટે અત્યારે વ્યક્તિગત હિતો કરતા ચૂંટણીમાં વિજય મેળવવો તે સર્વોપરી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયોને સ્વીકારીને તમામ નેતાઓએ ખભેખભા મિલાવીને કામે લાગી જવા સૂચના આપવામાં આવી છે.
આ બેઠકમાં સંગઠનની મજબૂતી અને બૂથ લેવલ સુધીની રણનીતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ તમામ આગેવાનોને પરોક્ષ રીતે એવો સંકેત આપ્યો છે કે હાઈકમાન્ડની નજર દરેક હિલચાલ પર છે અને શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં. આમ, વડોદરામાં યોજાયેલી આ બેઠક દ્વારા ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચૂંટણી જીતવા માટે કોઈ પણ કચાશ બાકી રાખવા માંગતા નથી અને આંતરિક જૂથબંધી ડામવા માટે પ્રદેશ નેતૃત્વએ સીધો મોરચો સંભાળી લીધો છે.