અકસ્માત મામલે શહેર ભાજપ પ્રમુખે કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને ત્યાં રંગોત્સવમાં ધારાસભ્ય કેયૂર રોકડીયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને પૂર્વ શહેર પ્રમુખ ડૉ વિજય શાહે હાજરી આપી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોળીની રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર શહેરમાં શોકનો માહોલ છે. લોકોના આક્રોશ અને સંવેદનાને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ ધુળેટીના તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી હતી. તેમ છતાં, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે તેમના સમર્થકો સાથે રંગોત્સવ યોજ્યો, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ શહેર પ્રમુખ ડૉ વિજય શાહ, ધારાસભ્ય કેયૂર રોકડીયા અને મહામંત્રી જશવંતસિંહ સોલંકીએ પણ હાજરી આપી હતી, જેનાથી વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.


શહેરના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પણ શોક દર્શાવતા કોઈપણ જાહેર કાર્યક્રમમાં ન જવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ડેપ્યુટી મેયર દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામા આવી. આ કાર્યક્રમથી ભાજપમાં સંકલનનો અભાવ છે કે નવા પ્રમુખની અવગણના શરૂ થઈ છે એ સવાલ ઊભા થયા છે. જેમણે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી તે મીડિયા ઈનચાર્જ હર્ષદ પરમાર પણ ડેપ્યુટી મેયરને ત્યાં રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.

પ્રારંભથી જ નબળા પુરવાર થઈ રહેલા નવા પ્રમુખ
વડોદરા શહેર ભાજપના નવા પ્રમુખ જયપ્રકાશ સોની તેમના કાર્યકાળના પ્રારંભથી જ નબળા પુરવાર થઈ રહ્યાં છે. હોળીના દિવસે કારેલીબાગમાં જે દુર્ઘટના બની કે તરત નવા પ્રમુખે ધૂળેટીના કાર્યક્રમ રદ કરવાની ઘોષણા કરી દીધી. પરંતુ તેમની આ ઘોષણાને પક્ષના વરિષ્ઠ નેતાઓએ ગણકારી નહીં અમે ખુલ્લેઆમ ધૂળેટીના કાર્યક્રમોમાં ભાગ લીધો. નવા પ્રમુખે આવ્યા પછી કશું નોંધપાત્ર કર્યું નથી. તેમની પાસે રાજકારણનો કોઈ અનુભવ જ નહીં હોવાથી મહાનગરપાલિકાની સંકલન બેઠક પણ મહામંત્રીઓના ભરોસે છોડીને બેસી ગયા. તેમની આસપાસ કેટલાક વફાદારી બદલીને ઘૂસ મારનાર કાર્યકરોએ કબજો કરી લીધો છે. સંઘ and ભાજપની કામગીરી સાવ નોખી છે ત્યારે રાજકારણના આ વમળમાં સોનીજી ગોથા ખાઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
