Vadodara

વડોદરા ભાજપમાં ટિકિટ મુદ્દે ‘બહારના’ ઉમેદવારો સામે બગાવતના સૂર: ધારાસભ્ય યોગેશ પટેલની ખુલ્લી ચીમકી​

જો પાર્ટી બહારના વ્યક્તિને ટિકિટ આપશે તો લડી લેજો, આપણે બધા વિરોધ કરીશું”: કાર્યકરોની બેઠકમાં વરિષ્ઠ નેતાનું આક્રમક નિવેદન

વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાર્યકરો સાથેની એક બેઠકમાં આક્રમક તેવર બતાવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં યોગેશ પટેલ સ્પષ્ટપણે કહેતા સાંભળવા મળે છે કે જો પાર્ટી કોઈ ‘બહારની વ્યક્તિ’ને ટિકિટ આપશે, તો તેનો જોરદાર વિરોધ કરવામાં આવશે.

ચૂંટણી કાર્યાલય ખાતે યોજાયેલી આ સભામાં યોગેશ પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, “આપણે બધાએ ખૂબ મહેનત કરી છે. ગામેગામ ફર્યા છીએ, બસો અને મોટરો ભરી છે અને પાર્ટીએ જે પણ સૂચના આપી છે તેનું પાલન કર્યું છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે પાયાના કાર્યકરોની આ મહેનતને અવગણી શકાય નહીં.

પોતાના સંબોધનમાં તેમણે કાર્યકરોને એકજુટ થવા અપીલ કરતા કહ્યું કે, “જો બહારથી કોઈ વ્યક્તિ આવે તો તેની સામે લડવાનું છે અને આપણે બધાએ વિરોધ કરવાનો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પાર્ટી જે સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપશે, તેમાં મારો સાથ રહેશે અને આપણે તેને જંગી બહુમતીથી જીતાડીશું.

રાજકીય ખેંચતાણ વચ્ચે તેમણે કાર્યકરોને શિસ્ત જાળવવા પણ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી ટાણે અંદરોઅંદર કોઈએ ‘અબોલા’ લેવા જોઈએ નહીં અને સંગઠિત થઈને કામ કરવું જોઈએ.

– ​રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે?
ધારાસભ્ય યોગેશ પટેલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટિકિટ વિતરણને લઈને પક્ષમાં આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે. વડોદરા ભાજપના આ પીઢ નેતાનો આ સુર આગામી સમયમાં પક્ષ માટે મુશ્કેલી સર્જી શકે છે અથવા તો હાઈકમાન્ડ પર દબાણ લાવવાની રણનીતિ હોઈ શકે તેવું મનાય છે.

Most Popular

To Top