જૂથવાદ રોકવા સ્થાનિક બેઠક રદ કરાઈ; સાંસદ અને ધારાસભ્યોને તાત્કાલિક તેડું, દાવેદારોને બે દિવસ ‘મૌન’ રહેવા આદેશ


વડોદરા શહેર ભાજપમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટિકિટ ફાળવણીનો મામલો હવે ગૂંચવાયો છે. વડોદરાની 76 બેઠકો માટે આ વખતે રેકોર્ડબ્રેક 1434 દાવેદારોએ દાવેદારી નોંધાવતા સંગઠન સ્તરે ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. આંતરિક ખેંચતાણ અને જૂથવાદ વકરે તેવી ભીતિને પગલે વડોદરામાં યોજાનારી મહત્વની સંગઠન બેઠક છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. હવે ટિકિટનું આ મંથન સ્થાનિક સ્તરેથી ખસીને સત્તાના કેન્દ્ર ગાંધીનગર ખાતે પહોંચ્યું છે.
રાજકીય નિષ્ણાતોના મતે, આટલી મોટી સંખ્યામાં દાવેદારો પક્ષ પ્રત્યેનો ઉત્સાહ તો દર્શાવે છે, પરંતુ સામે પક્ષે તે આંતરિક અસંતોષને પણ સીધું આમંત્રણ આપી રહ્યા છે. વડોદરાની પ્રત્યેક બેઠક પર સરેરાશ 18 થી 20 દાવેદારો મેદાનમાં હોવાથી કોઈ એક નામ પર સહમતી સાધવી સ્થાનિક સંગઠન માટે અશક્ય સાબિત થઈ રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વડોદરાના સાંસદ, તમામ ધારાસભ્યો અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેર પ્રભારી અને નિરીક્ષકો વડોદરા પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી સમગ્ર પ્રક્રિયાને ગાંધીનગર ખસેડવાનો નિર્ણય લેવાયો છે. હવે મંત્રીઓ અને નિરીક્ષકો ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય પરથી જ વડોદરાના નેતાઓ સાથે ‘વન-ટુ-વન’ બેઠક યોજશે. આ બેઠકમાં દરેક વોર્ડ વાઈઝ ઉમેદવારોની યાદી ચકાસીને આખરી પેનલ તૈયાર કરવામાં આવશે. ટિકિટ ફાળવણી પહેલા જ લોબિંગનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને દાવેદારો પોતાના રાજકીય આકાઓ મારફતે દબાણ વધારી રહ્યા છે. હાલમાં સમગ્ર વડોદરાના રાજકીય આલમની નજર ગાંધીનગર પર ટકેલી છે, જ્યાં લેવાનાર નિર્ણયો વડોદરા ભાજપનું ભવિષ્ય અને ચૂંટણીના પરિણામો નક્કી કરશે.
દાવેદારોને ‘મૌન’ રહેવા આદેશ: ટિકિટની લાઈનમાં શિસ્તની કસોટી
વડોદરા ભાજપમાં ટિકિટની હોડ વચ્ચે હાઈકમાન્ડે શિસ્તનો કોરડો વીંઝ્યો છે. 1434 દાવેદારોની લાંબી યાદી અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખેંચતાણને રોકવા માટે પક્ષે તમામ હોદ્દેદારો અને દાવેદારોને આગામી બે દિવસ સુધી ‘મૌન’ વ્રત ધારણ કરવા ખાસ તાકીદ કરી છે. પક્ષના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, બિનજરૂરી નિવેદનબાજી કે લોબિંગના કારણે પક્ષની છબી ન ખરડાય તે માટે આ અપીલ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગરની આ ‘બંધબારણે’ મળનારી બેઠકમાં કોનું પત્તું કપાશે અને કોના નસીબની લોટરી લાગશે!