Vadodara

વડોદરા ભાજપમાં આંતરિક જૂથબંધીના કારણે 12 બ્રિજના રીપેરીંગ અટવાયા



આંતરિક જૂથબંધીના કારણે 3 સભ્યો બંદીશ શાહ, જાગૃતિ કાકા અને હેમીષા ઠક્કરે દરખાસ્તનો વિરોધ કરી મુલતવી કરાવી દીધી

ભાજપમાં આંતરિક જૂથબંધીના કારણે હવે નાગરિકોની સુરક્ષા પણ જોખમમાં મૂકાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. એકબીજાના ટાંટિયા ખેંચવાની લ્હાયમાં ભાજપના નેતાઓ હવે રાજ્ય સરકારની સૂચનાનું પણ પાલન નથી કરી રહ્યા. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરાવી રિપોર્ટ મોકલવા દરેક નગરપાલિકા, મહાનગરપાલિકા સહિત પંચાયતોને સૂચના આપી હતી.
જેના આધારે વડોદરા કોર્પોરેશને કાસડ નામના કન્સલ્ટન્ટને બ્રિજની ચકાસણીની કામગીરી સોંપી હતી. ઇન્સ્પેક્શન બાદ કન્સલ્ટન્ટે શહેરના 12 બ્રિજમાં નાની-મોટી ક્ષતિઓ હોવાનો રિપોર્ટ કોર્પોરેશનને સુપરત કર્યો હતો. જેમાં તાત્કાલિક સમારકામ કરવાનું સૂચન કર્યું. જેના આધારે પાલિકાના અધિકારીએ 31.32 કરોડના ખર્ચે 18 ટકા વધુના ભાવે દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિમાં મોકલી.

જે દરખાસ્ત પર સ્થાયી સમિતિમાં ચર્ચા થઈ, જેમાં આંતરિક જૂથબંધીના કારણે 3 સભ્યોએ દરખાસ્તનો વિરોધ કરી મુલતવી કરાવી દીધી. ભાવ વધુ હોવાથી વધુ અભ્યાસ અર્થે દરખાસ્ત મુલતવી કરતાં હવે વિવાદ થયો છે. વડોદરાના નાગરિકો કહી રહ્યા છે કે, “લોકોના જીવ જોખમમાં મૂકાય તેવા મહત્વના કામને તો પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ. શું સ્થાયી સમિતિના સભ્યો કટકી ખાવા કામ નથી થવા દઈ રહ્યા?” તેવા સવાલો હવે સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે.
વડોદરાના જે 12 બ્રિજોમાં ક્ષતિ આવી તેના વિશે વાત કરવામાં આવે તો પંડ્યા, કલાલી, જેતલપુર, ફતેગંજ, અમિતનગર, જીએસએફસી છાણી, વિશ્વામિત્રી, સોમા તળાવ બ્રિજોમાં નાની-મોટી ક્ષતિઓ આવી છે. જેમાં બ્રિજોમાં ડેડ લોડ વધુ આવ્યો છે. બ્રિજનું વિયરીંગ કોટ ખરાબ થઈ ગયું તેમજ બ્રિજ પર માસ્કિટની જરૂર હોવાનું સામે આવ્યું. સ્થાયી સમિતિના 3 સભ્યો બંદીશ શાહ, હેમિષા ઠક્કર અને જાગૃતિ કાકાએ ભાવ વધુ હોવાનું કહી વિરોધ કર્યો, પણ આ જ સભ્યોએ ડિસેમ્બર 2023માં બ્રિજ પર રી-સરફેસિંગ કરવાના કામની 3 કરોડની નાણાંકીય મર્યાદાની દરખાસ્ત 27.21 ટકા વધુના ભાવે મંજૂર કરી હતી.
નાણાંકીય મર્યાદા પૂર્ણ થતાં તેમજ અન્ય ક્ષતિઓ દૂર કરવાની કામગીરી કરવાની હોવાથી કોર્પોરેશને નવી દરખાસ્ત 18 ટકાના વધુના ભાવે સ્થાયી સમિતિમાં મોકલી. 9 ટકા ભાવ વધારો ઓછો હોવા છતાં હવે આ જ સભ્યોએ વિરોધનો સૂર રેલાવ્યો છે. ત્યારે વિપક્ષ પણ અનેક સવાલ ઉઠાવી રહ્યું છે. બ્રિજ જોખમી હોય તો પોતાના અંગત હિતો બાજુ પર મૂકી શાસકોએ વહેલી તકે કામ કરાવવું જોઈએ તેમ વિપક્ષ નેતા જણાવી રહ્યા છે.

મહત્વની વાત છે કે, સ્થાયી સમિતિના સભ્યોમાં અંદરોઅંદર ભારે વિખવાદ છે. આ વિખવાદને કારણે પ્રજાલક્ષી વિકાસના કામો ઉપરાંત નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તેવા કામો નથી થઈ રહ્યા. અમુક સભ્યો પોતાનું હિત સિદ્ધ કરવા શહેરનું નુકશાન કરી રહ્યા છે. ત્યારે જો વડોદરામાં મોરબી બ્રિજ જેવી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? તે સવાલ ઉઠવા પામી રહ્યો છે.

Most Popular

To Top