Vadodara

વડોદરા : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો,સ્વજનોએ કારેલીબાગ પોલીસ મથકને ઘેર્યું, પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયું

પિતાનો જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી PM અને મૃતદેહ નહીં સ્વિકારવા કર્યો ઈન્કાર

જુગારધામ ચલાવનાર નરેશ રાણા પર કોના હાથ ?

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં નાગરવાળામાં આવેલી મહેતા પોળમાં યુવકો વચ્ચે માથાકુટ થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની મદદ માટે પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમાર રાજાનો પુત્ર તપન પણ હોસ્પિટલમાં હાજર હતો. દરમિયાન આરોપી બાબર ખાનને પણ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેવામાં બાબર ખાને તપનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટના પોલીસની હાજરીમાં ઘટી હોવાનું જોનારે જણાવ્યું છે. આ ઘટનાને લઇને પોલીસ અને હોસ્પિટલની સિક્યોરીટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

મૃતક : તપન પરમાર ——————– આરોપી : બાબર પઠાણ

મૃતક તપન પરિવારનો એકમાત્ર સંતાન હતો. અને બે મહિના બાદ તેના લગ્ન લેવાના હોવાનું તેના પિતાનું કહેવું છે. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હત્યાના બનાવ બાદ બીજા દિવસે આજે સવારે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ કારેલીબાગ પોલીસ મથકે હલ્લો મચાવ્યો હતો. ઉગ્ર સૂત્રોચાર કરી આરોપીઓને ફાંસીની સજાની માંગ પણ કરી હતી.

મૃતકના પિતા રમેશ પરમારે જણાવ્યું હતું કે, નવી ધરતી ગોલવાડમાં બે લોકો જોડે મારા મારી થઇ હશે. વિક્રમ અને ભયલુને બાબરખાને માર્યા હતા. જેમાં ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે લોકોને જોવા માટે મારો દિકરો એસએસજી હોસ્પિટલમાં આવ્યો હતો. હું પણ અહિંયા જ હતો. ઈજાગ્રસ્તોનો કેસ કઢાવીને તેમને બોટલ ચઢાવીને ઈન્જેક્શન પણ અપાવ્યા હતા. મેં મારા દિકરાને કહ્યું કે આ લોકોની સારવાર પતી જાય એટલે તું ઘરે આવી જજે. જે વાતે તે સહમત થયો હતો. પછી હું ઘરે ગયો અને તેવામાં મને કોઇ બોલાવવા આવ્યું હતું. તેણે મને કહ્યું કે તમારા દિકરા તપનને તલવાર મારી દીધી છે. જેથી હું તુરંત પાછો હોસ્પિટલ આવ્યો હતો. આ જે કંઇ બનાવ બન્યો છે, તે ખોટું છે. જો ખુલ્લેઆમ આવી રીતે મારવામાં આવતા હોય તો આવા તત્વોને ફાંસીની સજા આપવી જોઇએ. બાબર પર અનેક કેસો થયા હોવાનું જાણવા મળ્યું છે. તપન હવે આ દુનિયામાં નથી રહ્યો. તેનું મૃત્યુ થઇ ગયું છે. તે મારો એકનો એક દિકરો હતો. બે મહિના પછી તેના લગ્ન પણ લેવાના હતા. અમારૂ માનવું છે કે, આ પોલીસની નિષ્ક્રિયતા છે, અથવા તો તેઓ પણ મળેલા છે. પોલીસ કોઇ ગુનેગારને લઇને આવતી હોય ત્યારે તેણે તેનું ચેકીંગ કરીને લાવવાનું હોય. આ ઘટનામાં સીસીટીવી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે કારેલીબાગમાં મહેતાપોળ વિસ્તારમાં ઝઘડો થયો હતો. જે અનુસંધાને ત્રણ વ્યક્તિ વિક્રમ, બાબર તથા અન્યને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલના ફરી ઝઘડો થયો હતો. જેમાં બાબરે તપનને છરીના ઘા ઝીંકી દીધા છે. બાબર સામે અગાઉ ગુના નોંધાયા છે.હાલ તો મૃતકના પરિવારજનો સહિત વિસ્તારના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સવારથી કારેલીબાગ પોલીસ મથકને ઘેરવામાં આવ્યું છે. ભાજપના પણ નેતાઓ દોડી આવ્યા છે. આરોપી બાબરની પોલીસ અટકાયત કરી કારેલીબાગ પોલીસ મથકે રાખવામાં આવ્યો હોય ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે કારેલીબાગ પોલીસ મથકે પોલીસ નો અન્ય બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવી ગયો છે.

Most Popular

To Top