Vadodara

વડોદરા ભાજપના નેતાઓ અમદાવાદ પહોંચ્યા, પ્રદેશ અધ્યક્ષ કોઈ નિર્ણય લાવશે?



વડોદરા શહેર ભાજપનું કોકડું ગૂંચવાયું છે અને હવે સામેસામે વ્યક્તિગત આક્ષેપબાજી સુધી વાતો પહોંચી છે, ત્યારે આજે વડોદરા શહેર ભાજપના તમામ મોટા નેતાઓને અમદાવાદ ખાતે યોજાનારી સંગઠનની પ્રદેશ કક્ષાની બેઠકમાં બોલાવાયા છે. ભાજપની આ આંતરિક ભવાઈને કારણે પ્રજામાં પક્ષની આબરૂ ખરડાઈ રહી છે ત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બંને જૂથના આગેવાનોને કોઈ બોધપાઠ આપશે કે કેમ તેના તરફ નજર મંડાઇ છે.
શહેર ભાજપના નવા સંગઠનની રચનાનો પહેલો તબક્કો પૂરો થયો છે. વડોદરા ભાજપમાં વોર્ડ પ્રમુખોની જે નિમણૂક થઈ તેમાંથી જ ભડકો થયો અને હવે સામસામે તલવારો ખેંચાઈ છે. શુક્રવારે સાંજે હોટલ સયાજીમાં રાખવામાં આવેલી બેઠક મુલતવી રહ્યા બાદ પણ રાતે સમા સાવલી રોડ પરના એક બંગલામાં કેટલાક ધારાસભ્યોની બેઠક થઈ હતી અને તેમાં શનિવારે અમદાવાદના પ્રદેશ કાર્યાલય, કોબા ખાતે મળનારી સંગઠન બેઠકની સાઈડમાં કોઈ મુદ્દો ઉઠે તો શું વ્યૂહ રચના અપનાવવી તેના પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે સીઆર પાટીલ અને મુખ્યમંત્રી આગળ ખૂબ આક્રમકતાથી ડૉ. વિજય શાહ વિરુદ્ધ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આજે કોબા કમલમ ખાતે મળનારી બેઠકમાં તમામ મહાનગર અને જિલ્લા અધ્યક્ષ, સાંસદો અને ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ બેઠકમાં જ નવા અધ્યક્ષો માટે ચૂંટણી અધિકારીઓને માર્ગદર્શિકા આપવામાં આવનાર હોવાથી હવે પોતાની શક્તિ દર્શાવવા માટે બંને પક્ષો પાસે અંતિમ તક છે. વડોદરા ભાજપમાં જે ભડકો થયો છે તે જોતા પ્રદેશ અધ્યક્ષ બંને જૂથનો બોલાવી ચર્ચા કરશે જ એ નક્કી માનવામાં આવે chem આજની બેઠક પછી વડોદરા ભાજપનું કેવું રાજકીય ચિત્ર ઉભરે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

Most Popular

To Top