- કરણી સેના સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ રાઠોડે શહેર પ્રમુખ સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો
- બરાનપુરાના અંજુ માસી ચાલશે પણ રંજનમાસી નહિ ચાલે
લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠકના ભાજપાના ઉમેદવાર તરીકે રંજનબહેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે તેઓના જ પક્ષના કેટલાક લોકો તેઓનો વિરોધ કરી રહ્યા છે. કરણી સેના સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે સાંસદ રંજનબહેન ભટ્ટની અર્થ બિલ્ડર અને પારુલ યુનિવર્સીટીમાં ભાગીદારી છે. તેઓએ આક્રોશ ઠાલવતા એમ પણ જણાવ્યું હતું કે બરાનપુરાના અંજુમાસી ચાલશે પરંતુ રંજનમાસી નહિ ચાલે.
લોકસભાની ચૂંટણીના મંડાણ થઇ ગયા છે. ત્યારે ભાજપાએ ઉમેદવાર જાહેર કરી દીધા બાદ આંતરિક ડખા ઉભા થઇ રહ્યા છે. ત્રીજી વખત રિપીટ કરાયેલા ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવી રહ્યા છે. અગાઉ પૂર્વ મેયરે આક્ષેપ કર્યા હતા અને હવે ભાજપાના સભ્ય અને કરણી સેનાએ સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા શહેર પ્રમુખને આવેદનપત્ર આપી આક્ષેપો કર્યા હતા. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રંજનબહેનની અર્થ બિલ્ડર સાથે ભાગીદારી છે ઉપરાંત પારુલ યુનિવર્સીટી સાથે પણ ભાગીદારી હોવી જોઈએ કારણ કે એમ.એસ.યુનિવર્સીટીના હાલ બેહાલ છે અને પારુલ યુનિવર્સીટીની બોલબાલા કરે છે. તેઓએ એમ જણાવ્યું હતું કે બરાનપુરાના અંજુ માસી ચાલશે પણ બની બેઠેલા રંજનમાસી નહિ ચાલે.