વાઘોડિયાથી પરત લતીપુર ટીંબી ગામે આરતી વેળા ટ્રક ચાલકે પોર પાસે બાઈક પર સવાર માતા પુત્રને ટક્કર મારી, માતાનું પ્રાણ પંખેરું ઘટના સ્થળે ઉડી ગયું, પુત્રનો આબાદ બચાવ
વડોદરા તા.2
લતીપુર ટીંબી ગામે નવીનગરીમાં રહેતો યુવક તેમની પત્ની તથા પુત્ર સાથે ભાઈબીજ કરવા માટે વાઘોડિયાના રજકોઇ ગામે બહેનના ઘરે ગયા હતા. ત્યારબાદ ભાણિયો તેમની સાથે આવવા માટે તૈયાર થયો હતો. ત્યારે તેઓએ બે બાઈક લીધી હતી. જેમાં એક બાઇક માતા પૂત્ર અને બીજી બાઇક પર મામા ભાણેજ પરત આવી રહ્યા હતા ત્યારે પોર ક્રોસ કર્યા બાદ એક ટ્રક ચાલકે પુત્રની બાઈકને ટક્કર મારી હતી ત્યારે માતા રોડની સાઇડ પર પડ્યા હતા અને ટ્રક નીચે આવી જવાના કારણે ગંભીર ઇજા પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રનો બચાવ થયો હતો. કરજણ પોલીસે અકસ્માત કર્યા બાદ ફરાર થઈ ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
કરજણના લતીપુર ટીંબી ગામે નવીનગરીમાં રહેતા રાજુભાઈ જેઠાભાઈ વસાવા 30 ઓક્ટોબર ના રોજ તેમની પત્ની ચંપાબેન તથા મોટા દીકરા અજય સાથે બાઈક પર
વાઘોડીયા તાલુકાના રાહકોઇ ગામે ભાનુબેનના ઘરે ભાઈબીજ કરવા માટે ગયા હતા. 1 નવેમ્બરના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં તેઓ બાઈક પર પત્ની અને પુત્ર સાથે ઘરે પરત આવવાની તૈયારી કરતા હતા. તે વખતે તેમના ભાણીયો અમીત પણ તેમની સાથે ઘરે આવવા તૈયાર થયો હતો. જેથી રાહકોઈ ગામેથી દીકરો અજય અને પત્ની ચંપાબેન બાઈક લઈને ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે બાઈક દીકરો અજય ચલાવતો હતો.જ્યારે રાજુભાઈ અને તેમનો ભાણીયો અમીત વસાવા (ઉ.વ.21) ની બાઈક ઉપર બેસી પરત તેમના ઘરે આવી રહ્યા હતા. અગીયારેક વાગ્યે તેઓ પોર પસાર કરીને પુત્ર અજય તથા પત્ની ચંપાબેન તેમની બાઇક લઈને આગળ નીકળ્યો હોય અને નેશનલ હાઇવે ઉપર પોર પસાર કરી આગળ આવતા બામણગામ પાસે આત્મીય ઇંડસ્ટ્રીયલ પાર્કના બીજાગેટ પાસે રોડ ઉપર ટ્રાફીક હોય બાઈક ટ્રાફીકના કારણે છેલ્લી લાઇન ઉપરથી ધીરેધીરે ચલાવીને આગળ જતા હતા. તે વખતે પાછળથી આવેલા ટ્રક ચાલકે તેની બાઇકને પાછળના ભાગે ટક્કર મારી હતી. જેથી માતા અને પુત્ર રોડ પટકાયા હતા. ત્યારે ચંપાબેન બાઈક પરથી રોડ તરફ પડી જતાં ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જયારે અજયને કોઈ ઈજા થઈ ન હતી. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ દોડી આવી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તત્કાલિક ડોક્ટર તુરંત પહોંચી ગયા હતા અને રાજુભાઈની પત્નિની તપાસ કરતા તેમણે ચંપાબેનને મરણ જાહેર કર્યા હતા. અકસ્માત કર્યા બાદ ટ્રકનો ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ભાગી ગયો હતો. કરજણ પોલીસ સ્ટેશનમાં રાજુભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકને નંબરના આધારે ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે ચંપાબેનની લાશને પીએમ માટે કરજણ સરકારી દવાખાને ખસેડી હતી.