સામાનની ડિલિવરી કરતા બાઈકર્સની અભદ્ર ભાષાથી સોસાયટીના લોકો પરેશાન :
છેલ્લા 4 મહિનાથી પોલીસ મથકે – કોર્પોરેશનમાં રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરા શહેરના સમા ઐયાપ્પા મેદાન પાસે શ્રીજી સોસાયટીની બાજુમાં બ્લીન્કિટ કંપનીનું ગોડાઉન આવેલું છે. અહીં કામ કરતા ડિલિવરી બાઈકર્સ દ્વારા અભદ્ર ભાષામાં વાતચીત તેમજ જાહેરમાં શૌચક્રિયા સહિતની પ્રવૃતિઓથી સોસાયટીના રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. છેલ્લા ચાર મહિનાથી આ મામલે સ્થાનિક પોલીસ મથકે તેમ જ કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા સોસાયટીના રહીશોએ એકત્ર થઈ મધરાત્રે વિરોધ દર્શાવ્યો હતો.
વડોદરા શહેરના સમા ઐયપ્પા મેદાન પાસે આવેલી શ્રીજી સોસાયટી ની બાજુમાં ખાનગી બ્લીન્કીટ કંપનીનું ગોડાઉન આવેલું છે જે લેણાક વિસ્તારમાં હોય 24 કલાક આ ગોડાઉન ધમધમી રહ્યું છે. આ ગોડાઉન માંથી ઘરેલુ સર સામાન્ય ડિલિવરી કરતા બાઈકર્સ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ જાહેરમાં જ પેશાબ કરે છે. સાથે જ અહીંથી અવરજવર કરતી સોસાયટીની મહિલાઓ શાળામાં અભ્યાસે જતી બાળકીઓની પણ મશ્કરીઓ કરતા હોવાના આક્ષેપ સોસાયટીના રહીશોએ કર્યા છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર મહિનાથી અહીંયા સહન કરી રહ્યા છે. અમે સમા શ્રીજી સોસાયટી સીતાપાર્ક મધર રેસીડેન્સી ચારે બાજુ સોસાયટીઓ છે. બ્લીન્કિટ નામનો સ્ટોર છે. જે છેલ્લા ચાર મહિનાથી અનલીગલી ચાલી રહ્યો છે. દિવસ રાત 24 કલાક ચાલે છે. અહીંયા ડિલિવરી બાઈકર્સ ગમે તે રીતે બાઈકો ચલાવે છે. અહીંયા બધા બેસે છે એ લોકોના ડિલિવરી બાઈકર્સ ગમે તેવી ભાષામાં વાતચીત કરે છે. અમારે આવતી જતી લેડીઝની મજાક ઉડાવે છે. છોકરીઓ બેઠેલી હોઈ, સ્કૂલે જતી હોય, ગોડાઉનમાં છોકરીઓ નાની નાની આવે છે, કહેવાય છે કે બાળમજૂરીનું પણ અંદર કામ કરવામાં આવે છે. અહીંયા સ્કૂલે જતી છોકરીઓ સામે કપડાં બદલે છે, અડધો રસ્તો ફક્ત બાઈકર્સએ રોકી રાખ્યો છે. દિવસ રાત રન થાય છે. ટ્રક આવે છે . બધા કંટાળી ગયા છે. કોઈની ઊંઘ પૂરી થઈ નથી. ચાર મહિનાથી અમે પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન કરી છે રાઠોડ સાહેબે અમને કહ્યું હતું અને એમણે લખી પણ આપ્યું છે કે આ ગેરકાયદેસર છે. પણ કોર્પોરેશનમાં કે ક્યાંય કોઈ અમને મદદ કરતું નથી. અમે બધે જ ફરિયાદ કરી છે. દરેક જગ્યાએ અમે ગયા છીએ. કોર્પોરેશન તો અમારું સાંભળતું જ નથી. આ લોકોને છૂટો દોર આપી દીધો છે. નથી એ લોકો પાસે ફાયરની સેફ્ટી કોઈ પરવાનગી જ નથી. તેમ છતાં દિવસ રાત આ ચાલી રહ્યું છે. છોકરાઓ એટલી બધી ગંદી ભાષામાં વાતો કરે છે. અહીંયા બેસીને ધુમ્રપાન સેવન કરે છે. બધી મહિલાઓ કંટાળી ગઈ છે. જ્યારે અન્ય એક રહીશે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં બધી ટાઈપની રજૂઆત છેલ્લા ચાર મહિનાથી કરવામાં આવી રહી છે, પણ આપણું કોર્પોરેશન જે પ્રમાણે આજે પણ આપણે જોયું કે નગરપાલિકાના જે પ્લોટો હોય એની પર ખોટા દબાણો થયેલા છે. એમ અહીં અનલિગલી કન્સ્ટ્રકશન છે અને ગેરકાયદેસર કન્સ્ટ્રકશન એક્ટિવિટીમાં આપેલું છે. અહીંયા બધી સ્થાનિક સોસાયટીઓ છે, વારંવાર પોલીસ સ્ટેશન અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. કોર્પોરેટરોને પણ કીધેલું છે. લોકલ કોર્પોરેશનમાં પણ કહ્યું છે, પણ છેલ્લા ચાર મહિનાથી એનો કોઈ અંત નથી આવતો અને હવે આજે અહીંયા જે ન્યુસન્સ છે એની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. કોર્પોરશનને એવું લાગે છે કે જ્યાં સુધી કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યાં સુધી કોર્પોરેશનની ઊંઘ ઉડવાની નથી.