Vadodara

વડોદરા : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી ભરવા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર

આગામી 27 ફેબ્રુઆરીથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ :

ઉત્તરવહી કે પુરવણીના કોઈપણ પાના પર પોતાની ઓળખ જાહેર થાય તેવા કોઈ પણ નંબર,નામ, ચિન્હ કે ધાર્મિક લખાણ નહીં લખાય :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષા તા.27 ફેબ્રુઆરીથી થી શરૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે ઉત્તરવહી ભરવા સંબંધિત અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કોઈ ભૂલ ન કરે અને યોગ્ય રીતે ઉત્તરવહી ભરી શકે.

આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર ધો.10 અને 12ના પરીક્ષાર્થીએ પોતાની ફી રસીદ, પ્રવેશપત્ર પર આપેલ બેઠક નંબર અને બારકોડ સ્ટિકર પરનો બેઠક નંબર એક જ છે તેની ખાતરી કરવી. બારકોડ સ્ટિકર ચોંટાડવાના નિયત ખાનામાં જ ચોંટાડવું અને તેની સાથે કોઈ ચેડાં કરવા નહીં. બેઠક નંબરમાં પરીક્ષાર્થીએ પોતાનો બેઠક નંબર નિયત જગ્યા પર જ અંગ્રેજી અક્ષરો અને અંકોમાં સ્પષ્ટ રીતે લખવો. તેમાં કોઈ પણ પ્રકારની છેકછાક કરવી નહીં. ઓળખ ગુપ્ત રાખવી જેમાં ઉત્તરવહી કે પુરવણીના કોઈપણ પાના પર પોતાની ઓળખ જાહેર થાય તેવા કોઈ પણ નંબર, નામ, ચિન્હ કે ધાર્મિક લખાણ કરવા નહીં. જવાબવહી નંબરની ખરાઈમાં વર્ગખંડમાં હાજર રિપોર્ટ પત્રકમાં આપેલ જવાબવહી નંબર અને બારકોડ સ્ટિકર પરના બેઠક નંબર સાથે ખાતરી કરીને જ સહી કરવી. ખાખી સ્ટીકર જેમાં પરીક્ષા સમય પૂર્ણ થવાના 10 મિનિટ પહેલાં મુખ્ય જવાબવહી અને પુરવણી પર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે. પેનનો રંગ જવાબવહીમાં લખાણ માટે માત્ર વાદળી, ભૂરા રંગની શાહી,બોલપેનનો જ ઉપયોગ કરવો. અન્ય કોઈ રંગની પેનનો ઉપયોગ કરવો નહીં. મથાળાં અને પેટા મથાળાં નીચે લીટી દોરવા માટે પણ અન્ય રંગનો ઉપયોગ કરવો નહીં. ઉત્તર લખવાની રીતમાં ઉત્તરવહીના દરેક પાનાની બંને બાજુએ લખવું. દરેક વિભાગના પ્રશ્નોના ઉત્તર અલગ વિભાગવાર લખવા. વિભાગ બદલાય ત્યારે નવા પાનાથી શરૂ કરવું અને પ્રશ્ન ક્રમાંક હાંસિયામાં લખવા. વિભાગ બદલાય ત્યારે વચ્ચે કોરું પાનું છોડવું નહીં. જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તેમાં પ્રશ્નો સળંગ લખવા અને નવો પ્રશ્ન નવા પાનાથી શરૂ કરવો. બે પ્રશ્નો વચ્ચે કોરું પાનું છોડવું નહીં. પેપર પૂરું થયા બાદ બાકી રહેલા કોરા પાના પર ઊભી લીટી દોરવી. આ સૂચનાઓનું પાલન ન કરવા બદલ પરીક્ષાર્થી અને ખંડ નિરીક્ષક બંને જવાબદાર રહેશે. પુરવણી બાંધવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ ઉપયોગ કરવો. અન્ય કોઈ દોરાનો ઉપયોગ ગેરરીતિ ગણાશે. ગુજરાત બોર્ડ દ્વારા આ સૂચનાઓ વિદ્યાર્થીઓના હિતમાં જાહેર કરવામાં આવી છે જેથી પરીક્ષા પ્રક્રિયા સરળ અને ભૂલ રહિત રહે. દરેક વિદ્યાર્થીને સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top