Vadodara

વડોદરા : બે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગનાર રાજકોટનો કુખ્યાત આરોપી પિસ્તોલ સાથે ઝડપાયો

એક જ દિવસે માણેજા વિસ્તારમાંથી બાઇક ચોરી, બે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી ચેન ની ચોરી

રાજકોટથી વડોદરા આવ્યા બાદ માણેજા વિસ્તારમાંથી બાઈકની ચોરી કરીને માંજલપુર તેમજ લક્ષ્મીપુરા વિસ્તારમાં બે વૃદ્ધાને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગી જનાર કુખ્યાત આરોપીને પિસ્તોલ સાથે ક્રાઈમ બ્રાન્ચે જાંબુવા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બે સોનાની ચેન, ત્રણ મોબાઈલ અને બાઈક મળી રૂ.3.07 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગત 9 સપ્ટેમ્બર ના રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જૈન મંદિરેથી દર્શન કરીને પરત આવી રહેલા વૃદ્ધ મહિલાને નીચે પાડી દીધા બાદ તેમના ગળામાંથી પણ સોનાની ચેન તોડીને ગઠિયો ભાગી ગયો હતો. ત્યારબાદ એજ દિવસે લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા મંદિરમાં દર્શન કરી રહેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી એક ગઠીયો સોનાની ચેન આંચકી ફરાર થઈ ગયો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન, ટેકનિકલ તથા સીસીટીવી ફુટેજના આધારે અછોડાતોડ ગઠિયાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આ બંને ગુનાને એક આરોપીને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે 22 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જામ્બુઆ ગામ તરફથી એક શખ્સ આવી રહ્યો હતો.

આ બાઈક ચાલક પોલીસને જોઈને ભગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે અજય માનસિંગ પરસોંડા ( રહે.રાજકોટ) ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની પૂછપરછ કરતા 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટથી વડોદરા આવ્યો હતો અને માણેજા ખાતે આવેલા કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી એક બાઈકની ચોરી કર્યા બાદ માંજલપુર અને લક્ષ્મીપુરામાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડી હોવાની કબુલાત કરી હતી.

ઉપરાંત પિસ્તોલ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હોવાની પૂછતાછ કરાતા સુરેન્દ્રનગરના શંકર કટોસણા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને રાજકોટમાં લૂંટ તથા ખંડણી માંગવા સહિતના 25 જેટલા ગુના પણ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ રીઢા આરોપી પાસેથી બે સોનાની ચેન, એક પિસ્તોલ ત્રણ મોબાઈલ અને બાઈક મળી રૂ. 3.07 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Most Popular

To Top