Vadodara

વડોદરા : બેદરકારી દાખવનાર કમાટીબાગની જોય ટ્રેનના ચાલક વિરુદ્ધ 48 દિવસ બાદ ગુનો નોંધાયો

ટ્રેન ના ડ્રાઇવરે અડફેટે લેતા જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું

ટ્રેનની અડફેટે બાળકી આવી જતા પરિવારે બુમરાણ મચાવી છતાં ચાલકે ટ્રેન ઊભી ન રાખી, પૈડા બાળકીના પેટ પર ફરી વળતા આંતરડા બહાર નીકળી ગયા હતા

પ્રતિનિધિ વડોદરા તારીખ 27
ભરૂચના જંબુસર ખાતે રહેતી માતા તેમની ચાર વર્ષની બાળકી સહિતના પરિવારના સભ્યોને લઈને વડોદરાના કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યા હતા. જોય ટ્રેનના ચાલકે મુસાફરો ઊભા હોવા છતાં હોર્ન વગાડયો ન હતો. ત્યારબાદ તેમની ચાર વર્ષની પુત્રીને અડફેટ લેતા ચાલકને ટ્રેન ઉભી રાખવા માટે બૂમાબૂમ કરી હતી તેમ છતાં તેણે ગાડી આગળ દોડાવી હતી. જેમાં ટ્રેનના પૈડા માસુમ બાળકીના પેટ પર ફરી વળતા આંતરડા બહાર આવી ગયા હતા. લોહી લુહાણ હાલતમાં બાળકીને એસએસજીમાં લઈ જવા હતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેથી માતાએ બેદરકાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે 48 દિવસ બાદ આખરે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રહેતા નાઝીયા પરવેઝખાન પઠાણ ગત 10 મેના રોજ તેમની ચાર વર્ષની દિકરી ખદીજાહ, માતા અનિશા સઈદ પઠાણ તથા નાની બહેન આમીનાની સહિતના સબંધીઓ સાથે વડોદરાના કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યા હતા. બપોરના સમયે કમાટીબાગમા બેસીને નાસતો કર્યો હતો અને ત્યારબાદ જોય ટ્રેનમાં બેસવા માટે ગયા હતા. જોય ટ્રેનમાં એક રાઉન્ડ ફરીને તેઓ જોય ટ્રેનના સ્ટેશન પરથી ઉતરીને જોય ટ્રેનની બાજુમાં કેન્ટીનમાં ગયા હતા અને ઘરે જવા માટે બાગમાંથી ચાલતા ચાલતા કમાટીબાગ ગેટ નંબર 2 તરફ જતા હતા. ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમની પાછળથી જોય ટ્રેન આવતી હતી. જેથી તેઓ જોય ટ્રેન જોવા ઉભા રહી ગયા હતા. જ્યારે તેમની દિકરી ખદીજાહ જોય ટ્રેન તરફ દોડીને જતા તેનો પગ જોય ટ્રેનના એન્જિન પાછળના પૈડા નીચે આવી ગયો હતો. જેથી માતા સહિતના પરિવારના સભ્યોએ જોય ટ્રેનના ડ્રાઇવરને બુમાબુમ કરી ટ્રેન ઉભી રાખવા જણાવ્યુ હતું તેમ છતા તેણે ટ્રેન ઉભી રાખી ન હતી. ચાલકે થોડી આગળ દોડાવ્યા બાદ ટ્રેન ઉભી રાખી હતી. જેના કારણે 4 વર્ષની તેમની દીકરી ખદીજાહ એન્જિનના પાછળના કોચના પૈડા નીચે ચગદાઈ ગઈ હતી. ટ્રેન ઊભી રહેતા તેમની માતાએ દિકરીને કોચના પૈડા નીચેથી બહાર કાઢી હતી ત્યારે દિકરીના પેટ ઉપર જોય ટ્રેનના વ્હીલ ચડી જતા એક બાજુથી આતરડા બહાર આવી ગયા હતા.લોહી લુહાણ હાલતમાં બાળકીને એસએસજીમાં લઈ જતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. ટ્રેનના ડ્રાઈવરે હોર્ન વગાડયો ન હતો અને દિકરી અડફેટે આવી હોય જોય ટ્રેન ઉભી રાખવા બૂમાબુમ કરી છતાં પણ તેણે તાત્કાલીક ટ્રેન ઉભી રાખી ન હતી અને બેદરકારીથી જોય ટ્રેન ચલાવી હતી. જેના કારણે માસુમ દિકરી ખદીજાહને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજાવ્યુ હતું. જેથી બાળકીની માતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 48 દિવસ બાદ જોય ટ્રેનના ચાલક વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top