રોકડ રકમ જમા કરાવતા ગણતરી દરમિયાન રૂપિયા ભરેલી કેસેટ ઓછી જણાઇ આવતા ભાંડો ફૂટ્યો
વડોદરા તારીખ.22
ગોરવા બીઆઈડીસીમાં આવેલી કંપની વડોદરા સહિત ગુજરાતની તમામ બેંકોમાંથી નાણા ઉપાડીને એટીએમ મશીનોમાં લોડ કરે છે. દરમિયાન કંપનીના કર્મચારીઓ એટીએમ માંથી રૂપિયા લોડ કરીને કેસેટમાં ભરી કંપનીમાં જમા કરાવવા ગયા હતા. લોડરે લોખંડની પેટીઓ અને રોકડ ભરેલી કેસેટ સહિતનો સામાન નીચે ઉતાર્યો હતો બાદમાં કસ્ટોડિયને વોલ્ટમાં રોકડ ભરેલી કેસેટ જમા કરાવી હતી જેમાંથી રૂપિયા 9.99 લાખ ભરેલી કેસેટ ગાયબ હોવાનુ જણાયુ હતુ. લોડર તરીકે કામ કરતા કર્મચારીએ આ રૂપિયા ભરેલી કેસેટ ગાયબ કરી હોવાની આશંકાએ તેના વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાસણા રોડ પર માતૃકા સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ ચૌહાણ ગોરવા બીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલી સીએમએસ એમ્ફો સીસ્ટમ લીમીટેડ કંપનીમાં ઓપરેટર મેનેજર તરીકે છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે. તેમની કંપની સમગ્ર ગુજરાતમાં બેંક સાથે કરાર કર્યો છે. કંપની બેંકોમાંથી નાણા લાવી બેંકના એટીએમમાં નાખવાનુ કામ કરે છે. સીએમએસ કંપનીના એટીએમ બરોડા શહેર તથા હાલોલ, સાવલી, પાદરા તથા વાઘોડીયા ખાતે એટીએમ મશીનમા રુપિયા લોડ કરવાનુ કામ કરે છે. ગત 12 ઓગસ્ટના રોજ હાલોલ ખાતેના આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં એટીએમમા રૂ. 21 લાખ લોડ કર્યા હતા. ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ કંપનીની ગાડીમાં ડ્રાઇવર આશીષ તથા ગનમેન મહેંદ્રસિંહ ચાવડા તથા કસ્ટોડીયલ સુનીલ સરોજ તથા વિનોદ નાયક રૂટ મુજબ પર આવતા એટીએમમાં રૂપિયા લોડ કરી રાત્રીના આશરે 11.30 વાગે ઓફીસે પરત આવ્યા હતા અને ગાડીમાંથી લોખંડની પેટીઓ તથા રેગ્ઝીમના થેલા સહિતનો સામાન લોડર તરીકે કામ કરતા આશિષ માળીએ ઉતાર્યો હતો. ત્યારબાદ કસ્ટોડીયન તરીકે કામ કરતા સુનીલ સરોજ જે એટીએમમાથી અગાઉ લોડ કરેલી રોકડ ભરેલી કેસેટ કાઢીને લાવ્યા હતા. તે કેસેટો વોલ્ટમાં જમા કરાવી હતી. દરમિયાન વોલ્ટ તરીકે કામ કરતા અવિનાશ ભટ્ટે તપાસ કરતા રૂ .9.99 લાખની કેસેટ ઓછી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. જેથી કસ્ટોડીયન સુનીલભાઈએ ગાડીમાં ચેક કરતા રોકડ ભરેલી કેસેટ મળી આવી ન હતી. ગાયબ થયેલી કેસ બાબતે તમામ કર્મચારીઓની પુછપરછ કરતા લોડર તરીકે કામ કરતા અક્ષય માળીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી હતી. જેથી મેનેજરે ગોરવા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.