વડોદરા શહેરમાં અસમાજિક તત્વો પોતાનો રૂઆબ પ્રજા વચ્ચે બનાવી રાખવા માટે અવનવા પેતરાઓ અપનાવે છે. જેમાં થોડા સમયથી જાહેર માર્ગ પર મધ્ય રાત્રીએ ફટાકડા ફોડીને કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવાનો ટ્રેન્ડ શરુ થયો છે. જેનાથી તે પોતે માથાભારે છે તેવી છબી ઉભી કરવાના પ્રયત્ન કરતા હોય છે. સોમવારે રાત્રીના સમયે આવો જ એક બનાવવાઘોડિયા રોડ પર બનવા પામ્યો હતો. જેમાં રોડ પર જન્મદિવસની ઉજવણી કરતા ટોળાએ પોલીસને પણ ઘેરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશકુમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે. કે તેઓ ગત 12 તારીખના રાત્રીના 8 વાગ્યાથી બાપોદ પોલીસ મથકની પીસીઆર વાનમાં ફરજ પર હતા આ દરમિયાન તેઓ વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલિંગ કરીને મોડા સુધી ચાલુ રહેતી લારીઓ બંધ કરાવી રહ્યા હતા. રાત્રીના આશરે 12:20 કલાકે તેઓ વાઘોડિયા રોડ પ્રભાતનગર ચાર રસ્તા પાસે પહોચ્યા હતા.જ્યાં કેટલાક લોકો ટોળું વળીને જાહેરમાં ફટાકડા ફોડીને બુમાબુમ કરતા નજરે પડ્યા હતા. જ્યાં રસ્તાની વચ્ચે ટેબલ ગોઠવીને તેમાં શિવમ લખેલી કેક મુકીને કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરતા હતા.
પોલીસ કમિશ્નરના જાહેરનામાં પ્રમાણે તેઓને વિખેરાઈ જવા તેમજ મધ્યરાત્રીએ ઘોંઘાટ નહિ કરવા જણાવતા 20 થી 25 વ્યક્તિઓનું ટોળું પીસીઆર વાનને ઘેરી વળ્યું હતું. અને પોલીસ કર્મચારીઓને ધમકી આપતા સુરમાં અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. જેમાં જેના જન્મદિવસની ઉજવણી થતી હતી તે યુવક શિવમ કહાર તેમજ અન્ય એક બુટલેગર લાલી કહારની પોલીસે સ્થળ પર જ ઓળખ કરી લીધી હતી. એક તબક્કે પીસીઆર વાનના ડ્રાઈવર સહીત અન્ય બે જવાનોને ટોળાએ ઘેરી લઈને ધમકી આપતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને બાપોદ પોલીસ મથકના અન્ય સ્ટાફ તેમજ પાણીગેટ પોલીસ મથકની મદદ લેવી પડી હતી.
પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર પહોચતા ટોળું નાસી છૂટ્યું હતું. આ ટોળા માંથી જેનો જન્મદિવસ હતો તે શિવમ જતિન કહાર તેમજ લીસ્ટેડ બુટલેગર લાલી કહારની પોલીસે ઓળખ કરી લીધી હતી. જયારે બાપોદ પોલીસે શિવમ જતિન કહાર તેમજ બુટલેગર લાલી કહાર સહીત ટોળા વિરુદ્ધ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવા સહીત અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી શિવમ કહારની અગાઉ પાસા હેઠળ અટકાયત થયેલી છે જયારે બુટલેગર લાલી કહાર વિરુદ્ધ 7 થી 8 જેટલા પ્રોહીબીશનના ગુન્હા નોંધાયેલા છે. બંને ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા તત્વોએ પોલીસ જવાનોને ઘેરીને ધમકી આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.