પિતા બીમાર પડતા પાણીગેટના યુવક પાસેથી રૂ.3 લાખ ઉછીના મુન્નાએ લીધા હતા
વડોદરામાં ફરી માથાભારે મુન્ના તરબૂચે ફરી માથુ ઉચક્યું, ચેક હજુ સુધી આપ્યો નથી તેમ કહી યુવકને માર માર્યો
પ્રતિનિધિ વડોદરા તા.9
પાણીગેટના હરણખાના રોડ પર રહેતા યુવકે બિચ્છુગેંગના માથાભારે મુન્ના તરબૂચને ઉછીના આપેલા ત્રણ લાખ પરત માગતા માથાભારે ગુંડાએ યુવકને તેની પત્નીના નામનો ચેક પરત આપી દે તેમ કહ્યું હતું. યુવકે ચેક નહી આપતા માથાભારે શખ્સે યુવકને તને ચેક કે જીવ વહાલો છે કહી તુ ચેક પરત નહી આપે તો તને છોડીશ નહી, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ગુપ્તિ લઇને યુવકના ઘર પાસે ઉભો હોય યુવકને ડર લાગતા તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં માથાભારે મુન્ના સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હરણખાના રોડ હોળી ચકલા પાસે કહાર મહોલ્લામાં રહેતા નિલેશ ગણેશભાઇ કહાર (ઉ.વ.40) મચ્છીનો છૂટક ધંધો કરે છે. બે વર્ષ અગાઉ યુવકનો મિત્ર બિચ્છુ ગેંગના માથાભારે મોહમદ હુસેન શેખ ઉર્ફે મુન્ના ઉર્ફે તરબુચ (રહે.મહેબુભપુરા, નવાપુરા વડોદરા)ના પિતા બિમાર હોય તેમને હાર્મોનીયમ હોસ્પિટલમાં દાખલ કર્યાં હોવાથી નિલેશ કહાર પાસે તેણે ત્રણ લાખ રૂપિયા ઉછીના માગ્યાં હતા. જેથી યુવકે મુન્ના તરબૂચને આપી દીધી હતા. તેણે તેની પત્ની સબનમબાનુ મોહમદ હુસૈન શેખના નામનો રૂ.3 લાખનો સહી વાળી ચેક આપ્યો હતો અને પંદર દિવસ પછી પૈસા પાછા આપી દઇશ તેમ કહ્યુ હતું.
પંદર દિવસ ઉપર થઈ જતા પૈસાની જરૂર પડતી હોય યુવકે મુન્ના તરબૂચને વારંવાર ફોન પર તથા રૂબરૂમાં રૂપિયા પરત આપવા કહેવા છતા પૈસા આપતો ન હતો. જેથી યુવકે તેને કહ્યું હતું કે તુ પૈસા પાછા ના આપે તો ચેક બાઉન્સ કરાવી દઇશ. જેથી 6 ઓગષ્ટના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે મુન્ના તરબૂચે ફોન કરી નિલેશને તેની પત્નીનો ચેક પાછો આપી દેજે તેમ કહી ગાળો આપી હતી. આજે તુ ચેક પાછો નહી આપે તો તને નહી છોડુ , જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. 7 ઓગષ્ટના રોજ સવારના આશરે સાડા છ વાગ્યાના સુમારે યુવક ઘરેથી જુના પાણીગેટ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી દુકાન પર દુધ લેવા માટે ગયો હતો અને મિત્ર લિયાકત ઉર્ફે મદ્રાસી સાથે વાત કરતો હતો.
દરમિયાન મુન્ના તરબુચ તથા તેનો મિત્ર નામે તાન (રહે- ફતેપુરા) મોપેડ લઈને ધસી આવ્યાં હતા અને નિલેશ કહારને જોઇ જતા ગાડી ઉભી રાખી તને રાત્રે ચેક પાછા આપવા કહ્યું હતું હજુ કેમ ચેક મોકલાવ્યો નથી. જેથી નિલેશ કહારે ત્રણ લાખ આપી દે ચેક પરત કરી દઇશ તેમ કહ્યું હતું. તરબુચે તને ચેક કે જીવ વ્હાલો છે તેમ કહી સાગરીત તાન સાથે મળીને તેને માર માર્યો હતો. જેથી મદ્રાસી તેને છોડાવવા વચ્ચે પડતા બંન્નેએ આજે તુ બચી ગયો છે સાંજ સુધીમાં ચેક પાછો નહી આવે તો તને જીવતો રહેવા દઈશ નહી તેમ કહી બંન્ને ગાડી લઈ નિકળી ગયા હતા. ત્યારબાદ બાવામનપુરાના નાકે ઊભા રહી મોપેડમાંથી ગુપ્તી જેવુ હથિયાર કાઢી તેના પર કપડુ વિટાળી દીધુ હતું. બાદમાં રાત્રે ફોન પર પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતું તરબૂચ માથાભારે હોય હથિયાર મારવા આવે તેવો ડર લાગતા યુવકે ડરીને 100 નંબર પર ફોન કરી પોલીસ વાન બોલાવતા મુન્ના ઉર્ફે તરબુચ તથા તેનો મિત્ર ભાગી ગયા હતા. આખરે ગભરાઇ ગયેલા યુવકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મુન્ના તરબૂચ તથા તાન નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.