Vadodara

વડોદરા : બાસ્કિંગ પોઈન્ટ હટી જતા વિશ્વામિત્રીમાં વધુ એક આશરે 8.5 ફૂટના મગરનું મોત

મગરો વધુ હોવાથી આવતીકાલે મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવશે :

સૂર્યપ્રકાશ લેવા માટે હવે કોઈ જગ્યા રહી નથી, મગરો સતત પાણીમાં રહેતા મોત થયું હોવાનું અનુમાન :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

મગર નગરી કહેવાતી વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વધુ એક આશરે સાડા આઠ ફૂટના મગરનું મોત થયું છે. હાલ એ જગ્યા પર વધુ પડતા મગર હોવાથી વનવિભાગ એનજીઓ દ્વારા આવતીકાલે ગુરુવારે મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવશે હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે, બીજી તરફ પુર બાદ અને હવે વિશ્વામિત્રી પ્રોજેકટ હાથ ધરાયો છે ત્યારે મગરોને સૂર્ય પ્રકાશ મેળવવા માટે બાસ્કિંગ પોઈન્ટ રહ્યા નથી જેના કારણે મગર સતત પાણીમાં રહેતા મગરોના મોત થઈ રહ્યા હોવાનું અનુમાન લાગવાયું છે.

વડોદરા નગરીને મગરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરનું આશ્રય સ્થાન છે. જો કે હાલ તંત્રના પાપે વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ છે. જેના કારણે જળચર પ્રાણીઓના જીવ જોખમમાં મુકાયા છે અગાઉ ઘણી વખત વિશ્વામિત્રી નદીમાં મગરના અને કાચબાના મોત થયા હોવાના બનાવો બન્યા હતા. જેના કારણે જીવ દયા પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો? જોકે હવે ફરી મગરોના મોત થતા હોવાનો દોર શરૂ થયો છે. થોડા દિવસો પૂર્વે વિશ્વામિત્રી નદીમાં એક મગરનું મોત થયું હતું.ત્યારે બુધવારે વધુ એક મગરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

શહેરના કાલાઘોડા કીર્તિ મંદિર પાસે વિશ્વામિત્રી નદીમાં આશરે સાડા આઠ ફૂટ જેટલા મગરનું મોત થયું છે. જો કે આ જગ્યા પર વધુ મગર હોવાથી આવતીકાલે એટલે કે ગુરુવારના દિવસે મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે પૂર બાદ મગરો માટે બાસ્કિંગ પોઇન્ટ રહ્યા નથી. સૂર્યપ્રકાશ લેવા માટે મગરો ઉપર આવતા હતા. પરંતુ એ જગ્યા હવે રહી નથી. જેના કારણે મગરો સતત પાણીમાં રહેતા હોય છે. જેથી મગરના મોત હાલમાં થઈ રહ્યા છે. જ્યારે,સંસ્થાના વોલીએન્ટર ગણેશ તલસણકર પ્રતીક ચૌધરી અને પ્રબીજીત નાબિયાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, અમને કોલ આવ્યો હતો કે એક મગરનો મૃતદેહ પડ્યો છે. વિશ્વામિત્રી નદીમાં જેથી અમે અહીં આવીને જોયું તો, અકોટા બ્રિજ પાસેથી એક મહિના પહેલા જે મગરનું રેસ્ક્યુ કર્યું હતું તેવી જ દુર્ગંધ આ મગરમાંથી આવી રહી છે. એટલે હવે આ વિશ્વામિત્રી નદીમાં જે મગરોના મોત થઈ રહ્યા છે. એટલે આ નદી હવે મગરો માટે ખતરો બની ગઈ છે. કારણ કે દવાઓ અને મોટી મોટી હોટલોમાંથી એનો એ કચરો વગેરે નાખતા રહે છે અને આ મગરોને તકલીફ પડી રહી છે. અન્ય એક વોલિએન્ટરે જણાવ્યું હતું કે 15 20 દિવસ પહેલા વડસર બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાંથી જે મગરનો મૃતદેહ મળ્યો હતો એ કેમિકલ ના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે મોટી મોટી હોસ્પિટલો છે હોટલો છે જેનો વેસ્ટ વિશ્વામિત્રી નદીમાં નાખે છે એ કારણસર મગરોનું મોત નીપજી રહ્યું છે હવે તંત્ર જાગશે તો વિશ્વામિત્રી સ્વચ્છ થશે. નોંધનીય છે કે એક તરફ વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ છે. જ્યારે,હવે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવામાં આવી રહી છે. માર્ચ મહિનાથી મગરોનો બ્રિડિંગ મેટિંગનો સમય શરૂ થશે. ત્યારે, આ દરમિયાન મગરો આક્રમક બનતા હોય છે. હાલ આ મૃત મગરને બહાર કાઢ્યા બાદ પીએમ કરવામાં આવશે અને ત્યાર બાદ પીએમ કર્યા પછી જ મગરનું મોત થવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Most Popular

To Top