વડોદરા: કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા દુકાને સામાન લેવા માટે ગઈ હતી અને સામાન લઈને પરત આવતી હતી ત્યારે બાઈક પર ત્રણ યુવકો તેની પાસે ધસી આવ્યા હતા અને તેનો હાથ પકડી બળજબરી કરી બાઈક પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ બુમરાણ મચાવતા આ ત્રિપુટી ભાગી ગઈ હતી ત્યારબાદ તેણે ઘરે જઈને તેની સાથે બનેલી ઘટના બાબતે વાત કરતા પિતા પુત્ર આ મુસ્લિમ યુવકોને ઠપકો આપવા માટે ગયા હતા. ત્યારે આ માથાભારે તત્વોએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. પિતા પુત્રને ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજીમાં દાખલ કરાયા છે. કારેલીબાગ પોલીસે આ ત્રિપુટીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા 28 ઓક્ટોબરના સરદાર ભવનના ખાંચા પાસે દુકાનમાં સામાન લેવા માટે ગઈ હતી. ત્યારબાદ તેણે સામાન લઈને પરત ઘરે આવી રહી હતી તે દરમિયાન બાઈક પર અદનાન સૈયદ, અબ્બાસ જાફર હુસેન તથા જાફર હુસેન શેખ નામના ત્રણ શખ્સો સગીરા પાસે ધસી આવ્યા હતા. ત્યારબાદ સગીરાનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કર્યા બાદ તેને બાઈક પર બેસાડવાનો બળજબરી પૂર્વક પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. પરંતુ સગીરાએ ત્રિપુટીના ચુંગાલમાંથી બચવા માટે બુમરાણ મચાવી હતી. ત્યારે આ બાઈક સવાર ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી.
ગભરાઈ ગયેલી સગીરા દોડીને પોતાના ઘરે જતી રહી હતી અને પોતાના પિતા તથા ભાઈ સહિતના પરિવારના સભ્યોને તેની સાથે બનેલી ઘટના બાબતે જાણ કરી હતી. દરમિયાન સગીરાના પિતા અને ભાઈ આ ત્રિપુટીને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે માથાભારે અદનાન સૈયદ અબ્બાસ જાફર હુસેન તથા જાફર હુસેન શેખ ઉસ્કેરાઈ ગયા હતા અને પિતા પુત્રને ઢોર માર્યા બાદ તેમના ઉપર પંચ અને ચાવીથી હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા લોકો ભેગા થઈ ગયા હતા જેથી આ હુમલાખોર પણ સ્થળ ઉપરથી ભાગી ગયા હતા.
ઈજાગ્રસ્ત થયેલા પિતા પુત્રને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સગીરાની છેડતી તથા ઠપકો આપવા ગયેલા પિતા પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ હુમલાખોર ત્રિપુટી ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.