Vadodara

વડોદરા : બાઈકની ચોરી કર્યા બાદ વાહન માલિકોને પોલીસની ઓળખ આપી રૂપિયા ઉઘરાવતો ઠગ ઝડપાયો

વડોદરા તા. 21

ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી વાહનોની ચોરી કર્યા બાદ તેના માલિકોનો મોબાઈલ નંબર શોધી કાઢતો હતો. ત્યારબાદ વાહન માલિકને પોલીસની ખોટી ઓળખ આપી વાહનના બદલામાં રૂપીયાની ઉઘરાણી કરતો હતો. ત્યારે વાહનચોરી અને ઠગાઈના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીની 6 બાઈક અને મોબાઈલ મળી રૂ.1.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આણંદ જિલ્લાના ચીખલીયા ગામ ખાતે રહેતો સંજય હરજી વણકર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા સહિત વડોદરા શહેરમાંથી ટુ વ્હિલર વાહનોની ચોરી કરતો હતો. ત્યારબાદ ચોરી કરેલા વાહન માલિકોના નંબર પણ મેળવી લેતો હતો અને તેમને ફોન કરીને ચોરીમાં ગયેલા વાહન પરત આપવાની વાત કરી તેમની પાસેથી રૂપીયાની ઉઘરાણી કરતો હોવાની માહિતી મળી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની સી.સી.ટી.વી, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આવી મોડેસ એપ્રેન્ડી ધરાવનાર સંજય વણકર અવારનવાર ગોલ્ડન ચોકડીથી આવતો જતો હોય છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ટોલ નાકાથી વડોદરા શહેર તરફ જતા-આવતા રોડ ઉપર સતત પેટ્રોલીંગ કરાતું હતું. દરમિયાન 20 નવેમ્બરના રોજ રાત્રિના સમયે માહિતી મળી હતી કે સંજય વણકર પોતાની બાઈક લઈને ગોલ્ડન ચોકડી પાસે ટોલનાકા ખાતે આવી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટોલ નાકે વોચ વોચ ગોઠવી હતી. ત્યારે સંજય વણકર બાઈક લઈને આવ્યો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જોઈ પોતાની બાઈક પરત વળાવી ભાગવાનો પ્રયાસ કરતો હોય પોલીસ અને તેના પર શંકા જતા તેને બાઈક સાથે જ દબોચી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરતા 25 દિવસ દરમ્યાન વડોદરા શહેરમાં એસએસજી હોસ્પીટલ, એમ.એસ.યુનિવર્સીટી તેમજ અટલાદરા ઉપરાંત બોડેલી, નડીયાદ, પેટલાદ ખાતેથી મળી 6 જેટલી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ઉપરાંત ચોરી કરેલા વાહનના માલિકો ને તેણે પોતે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપતો હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી 6 બાઈક અને મોબાઈલ મળી રૂ. 1.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top