વડોદરા મહાનગરપાલિકાની પર્યાવરણલક્ષી પહેલ, CSR પ્રોજેક્ટ હેઠળ 38 વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરી શહેરના તાપમાનને ઘટાડવા ભગીરથ પ્રયાસ



(પ્રતિનિધિ), વડોદરા. તા.25
વડોદરા :- વધતા જતા શહેરીકરણ અને ગ્લોબલ વોર્મિંગના જોખમો સામે વડોદરા મહાનગરપાલિકાએ હવે ‘ગ્રીન બેલ્ટ’ વિકસાવવા માટે કમર કસી છે. શહેરના પ્રદૂષણને ઘટાડવા અને હરિયાળી વધારવા માટે પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ‘ડેન્સ ફોરેસ્ટ’ (ગાઢ જંગલ) વિકસાવવાનો નૂતન અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત અટલાદરા વિસ્તારમાં જાપાનીઝ ટેકનિક ‘મિયાવાકી’ પદ્ધતિથી એક ભવ્ય વન ઉભું કરવામાં આવ્યું છે. અટલાદરાના બિલ કેનાલ રોડ પર, યુરો એલાઇટ બિલ્ડીંગ પાસે (બીલ ટી.પી-01, એફ.પી.114) આ પ્રોજેક્ટ સાકાર થયો છે. આ માત્ર સરકારી પ્રોજેક્ટ નથી, પરંતુ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત Xylem Water Solutions અને CATCH Foundation ના સંયુક્ત સહયોગથી તૈયાર કરવામાં આવેલી એક પર્યાવરણીય ભેટ છે. મિયાવાકી પદ્ધતિ એ ઓછા વિસ્તારમાં વધુ વૃક્ષો ઉગાડવાની જાપાનીઝ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વૃક્ષો સામાન્ય કરતા 10 ગણી ઝડપથી વધે છે અને 30 ગણી વધુ હરિયાળી આપે છે. અટલાદરા ખાતે આશરે 1000 જેટલા વૃક્ષોનું વાવેતર અત્યંત નજીક-નજીક કરવામાં આવ્યું છે, જે આગામી થોડા જ સમયમાં એક ગાઢ જંગલનું સ્વરૂપ ધારણ કરી લેશે. આ ફોરેસ્ટમાં માત્ર શોભના જ નહીં, પરંતુ પર્યાવરણ અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ એવી ૩૮ વિવિધ જાતની વનસ્પતિઓ રોપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે, લીમડો, અર્જુન, પીપળ, વડ અને શિશમ, આસોપાલવ, કાંચનાર, સરગવો, બોરસલી, ગુલમોહર અને જાંબુ. આના થી શહેરીજનોને અદભૂત ફાયદા થવાના છે જેમ કે, ગાઢ જંગલ હોવાને કારણે આ વિસ્તારમાં પ્રાણવાયુ (ઓક્સિજન) નું સ્તર નોંધપાત્ર રીતે વધશે. સિમેન્ટના જંગલો વચ્ચે આ મિની ફોરેસ્ટ ‘કુલિંગ પેચ’ તરીકે કામ કરશે અને સ્થાનિક તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો લાવશે. વિવિધ પ્રકારના વૃક્ષોને કારણે પક્ષીઓ, પતંગિયા અને અન્ય જીવસૃષ્ટિ માટે આ એક આદર્શ આશ્રયસ્થાન બનશે. આ ગાઢ દીવાલની જેમ કામ કરી રોડ પરની ધૂળ અને વાહનોના અવાજને શોષી લેશે. આ સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં પાલિકાની ખુલ્લી જગ્યાઓ છે, ત્યાં આવા ‘ડેન્સ ફોરેસ્ટ’ બનાવવાનું આયોજન છે. અટલાદરાનો આ પ્રોજેક્ટ આવનારા સમયમાં વડોદરાના અન્ય વિસ્તારો માટે રોલ મોડેલ સાબિત થશે. વડોદરાવાસીઓ માટે આ હરિયાળી પહેલ ખરેખર નવું જોમ પૂરનારી સાબિત થશે.