Vadodara

વડોદરા : ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારી દ્વારા 1.21 લાખની ઠગાઈ

વડોદરા વડોદરા તારીખ 9

શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારી દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલ કરેલા હપ્તા તથા
લોન ક્લોઝ કરાવવા માટે ઉઘરાવેલા રૂપિયા 1.21 લાખ ઉઘરાવવામાં આવ્યા હતાં. પરંતુ માત્ર 29 હજાર જ ભરી બાકીના રૂ.92 હજાર
નહી જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી છે. જેથી ઠગ મહિલા કર્મચારી સામે ઠગાઈ ફરિયાદ નોંધાઈ છે.

ફતેગંજ વિસ્તારમાં આવેલી પહલ ફાઇનાન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બ્રાંચ મેનેજર મુકેશભાઈ અગ્રવાલે નોંધાવેલી ફરીયાદ મુજબ, કેશાબેન સુરેશભાઈ કાછીયા નામની મહિલા વર્ષ 2020થી કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે કાર્યરત હતી. તે મહિલાઓના ગ્રુપ બનાવી લોન આપતી અને દર મહિને હપ્તા વસૂલવાની જવાબદારી સંભાળતી હતી. ડિસેમ્બર 2024માં રાજીનામું આપ્યા બાદ નવા સ્ટાફને માહિતી ન હોવાથી જૂના ગ્રાહકો સાથે તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.
ગ્રાહકો પાસેથી મળેલી માહિતી મુજબ, અનેક લોકોએ નિયમિત હપ્તા તેમજ લોન ક્લોઝિંગ માટેની રકમ કેશાબેનને ચુકવી હોવા છતાં તે રકમ કંપનીના ખાતામાં જમા કરાવવામાં આવી નહોતી. કેટલાક કેસમાં ગ્રાહકો પાસે ચુકવણીના પુરાવા, સહી કરેલ કાર્ડ અને ગૂગલ પે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ પણ મળ્યા હતા.
મહિલા આરોપીએ અંદાજે રૂ.1.21 લાખ જેટલી રકમ ગ્રાહકો પાસેથી મેળવી હોવા છતાં કંપનીમાં જમા કરાવી નહોતી. જેમાંથી માત્ર આશરે રૂ.29 હજાર જમા કરાવ્યા હતા. જ્યારે બાકીની મોટી રકમ પોતાના ઉપયોગમાં લીધી હોવાનો આક્ષેપ છે.
આ ઉપરાંત આરોપીએ કંપનીના અધિકારીને ફોન કરીને આત્મહત્યા કરવાની ધમકી આપ્યાની પણ વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top