Vadodara

વડોદરા : ફર્લો રજા પર ગયેલો પાકાનો કામનો કેદી બારોબાર ફરાર થઇ ગયો

14 દિવસની રજા મંજુર થતા સેન્ટ્રલ જેલમાંથી મુકત કરાયો હતો

29 માર્ચે હાજર નહી થતા જેલરે કેદી સામે પોલીસ ફરિયાદ નોંધાવી

(પ્રતિનિધિ )

વારંવાર વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ફર્લો રજા પર ગયેલા કેદીઓ ફરાર થઇ જતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે વધુ એક ત્રણવર્ષથી સજા કાપતો પાકા કામના કેદી 14 દિવસની ફર્લો રજા પર ગયા બાદ પુન: જેલમાં હાજર નહી થઇને બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના પથાવત ગામમાં રહેતા કાળાભાઇ માધાભાઇ ઝાલાનો પોક્સોના ગુનામાં વર્ષ 2020માં 10 વર્ષની કેદની સજા તથા 10 હજારનો દંડ ખેડા નડિયાદ કોર્ટે ફટકાર્યો હતો. જે કેદીને વડોદરા સેન્ટ્રલમાં રાખવામાં આવ્યો છે. છેલ્લા ત્રણચાર વર્ષથી કેદી અહિયા પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. કેદીની 6 માર્ચ 2024ના રોજ 14 દિવસની ફર્લો રજા મંજુર થતા તેને જેલમાંથી 14 માર્ચના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો. રજા પુર્ણ થયા બાદ કેદીએ પરત જેલમાં 29 માર્ચના રોજ હાજર થવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કેદીએ  જેલબંધી પહેલા હાજર નહી થઇને બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી પાકાના કેદી સામે જેલર એસ એચ વસાવા દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે કેદીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Most Popular

To Top