વડોદરા સેન્ટ્રલ જેલમાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સજા કાપતો હતો

વડોદરા તારીખ 12
સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં આરોપી પાકા કામના કેદી તરીકે 20 વર્ષની સજા કાપતો હતો. દરમિયાન આ કેદી વડોદરા સેન્ટ્રલ જેલથી ફર્લો રજા પર બહાર આવ્યા બાદ પરત જેલેમાં હાજર ન થઇ બારોબાર ફરાર થઈ ગયો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ ફરાર કેદી ને પેટલાદના પાળજ ગામેથી જ ઝડપી પાડી પરત સેન્ટ્રલ જેલમાં સોપ્યો છે.
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામે રહેતા રાજુ ઉર્ફે સાકલો પરમાર ને પોક્સો ગુનામાં 15 ફેબ્રુઆરી 2020 ના રોજ વીસ વર્ષની સજા અને રૂ. 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી આ કેદીને વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. દરમ્યાન આ કેદીને ગત 22 માર્ચના રોજ 14 દિવસની ફર્લો રજા ઉપર વડોદરા જેલથી મુક્ત કરવામાં આવ્યો હતો અને આ કેદીએ તેની ફર્લો રજા પુર્ણ થતાં 6 એપ્રિલના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ આ કેદી જેલમાં હાજર થયો ન હતો અને અને ફર્લો રજા પરથી બારોબાર ફરાર થઈ ગયો હતો. જેથી આ ફરાર થયેલા કેદીને શોધી કાઢવા વડોદરા મધ્યસ્થ જેલથી લેખિત પત્ર દ્વારા વડોદરા શહેર તથા આણંદ પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ફરાર થયેલા કેદીની ટેકનીકલ-હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરતાં આ ફરાર કેદી હાલમાં આણંદ જીલ્લામાં તેના ગામ પાળજ ખાતે આશ્રય લઇ રહ્યો હોવાની માહીતી મળતાં ટીમ તાત્કાલિક આણંદ જીલ્લાના પાળજ ગામ પહોંચી ગઈ હતી અને ખાનગી રીતે તેના પર સતત વોચ રાખી વોચ ગામમાં ખોડિયાર માતાના મંદિર પાસેથી 12 એપ્રિલના રોજ
ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે વડોદરા લાવ્યા બાદ આ કેદીને પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં રાજુ ઉર્ફે સાકલો ઉર્ફે પુતરાજ જશ પરમાર સગીર દીકરીનુ રીક્ષામાં બેસાડી અપહરણ કરી લીમ્બાસી ગામે લઈ ગયો હતો. ત્યારબાદ રીક્ષાને મુકી ત્યાંથી બાઈક પર સગીરાને તારાપુરથી ભાવનગર હાઇવે રોડ પર ઝાળીઓમાં તેમજ બોરસદથી આસોદર રોડ પરના પીકઅપ બસ સ્ટેન્ડમાં સગીરાની મરજી વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. કેદીએ આ અંગે કોઇને કહીશ તો સગીરાને તેમજ તેના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
