Vadodara

વડોદરા : ફરી સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધૂણ્યુ,સુભાનપુરા વીજ કચેરીએ મોરચો મંડાયો

લોકોમાં આક્રોશ અમારે સ્માર્ટ વીજ મીટર નથી જોઇતા , નવા કનેક્શન ધારકોની માંગ :

સ્માર્ટ વીજ મીટર સાથે જ નવા કનેક્શન આપવાની શરૂ કરવામાં આવતા પીએમ આવાસ યોજનાના લોકો વિરોધમાં ઉતર્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવા વિજ કનેક્શન માટે સ્માર્ટ વિજ મીટર નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો મોરચો કચેરીએ પહોંચ્યો છે. તમામ રહીશોએ એક સૂરે જણાવ્યું કે, અમારે સ્માર્ટ વિજ મીટર નથી જોઇતા. લોકોનો રોષ પારખીને વિજ કંપનીના કર્મચારીઓ દ્વારા લોકોને સમજ આપવામાં આવી હતી.

વડોદરામાં વિજ કંપની દ્વારા અગાઉ શરૂ કરવામાં આવેલી સ્માટ વિજ મીટર નાંખવાની કામગીરી પર ભારે માછલા ધોવાયા હતા. તે સમયે દિવસેને દિવસે વિરોધ વધતા કામગીરી બંધ કરવી પડી હતી. જો કે, સ્માર્ટ વિજ મીટર સાથે જ નવા કનેક્શન આપવાની સાથે ફરી શરૂ કરવામાં આવી હોવાનું ગોરવામાં આવેલા પીએમ આવાસના સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકોને થતા તેઓ વિરોધમાં ઉતર્યા છે. અને સુભાનપુરા વિજ કચેરીએ મોરચો લઇ જઇને એક સૂરે અમારે સ્માર્ટ વિજ મીટર નથી જોઇતાની માંગ કરી છે. વિજ કર્મીએ મીડિયાને જણાવ્યું કે, ગોરવા સબ ડિવીઝનમાં 200 નવા વિજ કનેક્શનની માંગણી કરવામાં આવી છે. તે 200 કનેક્શન માટે સ્માર્ટ મીટર થકી લગાવી રહ્યા છે. તે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. નવા કનેક્શન સ્માર્ટ વિજ મીટર થકી જ લાગશે તેવો સરકારનો નિયમ છે. પરંતુ આ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે અમારી સિસ્ટમનું અપગ્રેડ ચાલુ છે. તેમાં એવું હોય છે કે, ગ્રાહક વપરાશ કરે, તેનું બીલ પુરૂ થવા આવ્યું હોય, ત્યારે તેને ત્રણ દિવસ પહેલા જાણ કરવામાં આવશે. તેના પછી જો ના ભરે તો કનેક્શન બંધ થઇ જાય છે. સરકારી આવાસ માટેનું છે, તેવું કંઇ નથી.

દરેક નવા કનેક્શન માટે આ રીતે કરી રહ્યા છીએ. સ્થાનિક સર્વેએ મીડિયાને જણાવ્યું કે, અમે સ્વામી વિવેદાનંદ હાઇટ્સમાંથી આવીએ છીએ. તેમાં 1500 થી વધુ ઘરો આવેલા છે. તે પૈકી પોણા ભાગના લોકોને ત્યાં ડિજીટલ મીટર આવી ગયા છે. બાકીના 200 ઘરોમાં સ્માર્ટ વિજ મીટર મુકવાનું તેઓ જણાવી રહ્યા છે. અમે જુના ડિજીટલ મીટરની માંગણી કરી તો તેમણે કહ્યું કે, તેમની પાસે તે નથી. તે લોકો આ વાતને સરકારનો નિયમ જણાવી રહ્યા છે. સ્માર્ટ મીટરનો પહેલા બહિષ્કાર કર્યો છે. બધાના સ્માર્ટ મીટર લગાશે, તો અમે પણ તેમની સાથે જ છીએ. અન્યએ જણાવ્યું કે, સ્માર્ટ મીટર લાગવું જ ના જોઇએ. અમારે સ્માર્ટ મીટર જોઇએ જ નહીં. આ વાતનો પહેલા બહિષ્કાર કર્યો છે. મોટા લોકોને ત્યાં લાગતા નથી. અને સરકારી આવાસ યોજનામાં લાગી રહ્યા છે.

Most Popular

To Top