વડોદરા : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીજીમાં રહેતા
પારુલ યુની.માં અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. મકાન માલિકે 108 એમ્બ્યુલન્સને બોલાવતા ડોક્ટરે યુવકને તપાસ કરતા મૃત હોવાનું જણાવ્યુ હતું. પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી ગઈ હતી અને મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી કયા કારણસર વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બ્લૂ લગૂન હોટેલની પાછળ સ્કાય હોમ પીજીમાં રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના ગતિક અજયકુમાર દાસ (ઉં.વ.25) ગત 14 નવેમ્બરના રોજ રાત્રિના 1.30 કલાકે મૂવી જોઈને આવ્યો હતો. ત્યારબાદ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો હતો. બીજા દિવસે વિદ્યાર્થી મોડે સુધી ઉઠ્યો ન હતો. તેથી મકાન માલિકને શંકા ગઈ હતી.
વિદ્યાર્થી રૂમમાં બેભાન હાલતમાં પડેલો હતો. જેના કારણે પોલીસે 108 એમ્બ્યુલન્સ જાણ કરતા તાત્કાલિક બોલાવી હતી. જેથી 108 ના ડોક્ટરે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને તપાસ કરતા મૃત હોવાનું પી જી સંચાલકને જણાવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસ તાત્કાલિક દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવી મોતનું સાચું કારણ જાણવા ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવા ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ પોલીસે પીજીમાં રહેતા અન્ય વિદ્યાર્થી તથા માલિક સહિતના લોકોની પૂછપરછ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.જમ્મુ કાશ્મીર નો વિદ્યાર્થી વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં એમ બી એના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત હોવાથી પોલીસે આત્મહત્યા, કુદરતી મોત કે અન્ય કોઈ ઘટના બની છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.