Vadodara

વડોદરા : ફતેગંજમાં મકાનનો દરવાજો ખોલતા 15 ફૂટના મહાકાય મગરના દર્શન,રહીશોના જીવ તાડવે ચોંટયા

ઘરના આંગણે મગરે આરામ ફરમાવ્યો :

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે ભારે જહેમતે રેસ્ક્યુ કરી નર્સરી ખાતે લઈ જવાયો :

વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરના પ્રકોપ બાદ હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે. ત્યારે મગરો હવે તેમના કુદરતી વાતાવરણમાં જવા માટે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં સવારે ફતેગંજ ઝુપડપટ્ટી વિસ્તારના એક મકાનના ઓટલા ઉપર મહાકાય મગરે આરામ ફરમાવતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

વડોદરા શહેરમાં પ્રથમ વરસાદ જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મગર અને સરિસૃપ આવી જવાના બનાવ સામે આવ્યા હતા જે સિલસીલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરામાં રવિવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું છેલ્લા ત્રણ દિવસથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વિશ્વામિત્રી નદીએ પણ તેની ભયજનક સપાટી વટાવી લીધી હતી જેના કારણે રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. હાલ શહેરમાંથી ધીમે ધીમે પાણી ઓસરવા માંડ્યા છે ત્યારે શહેરમાં મગર દેખાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારે શહેરના ફતેગંજ ઝૂંપરપટ્ટી વિસ્તારમાં એક મકાનની બહાર ઓટલા ઉપર મગર એ આરામ ફરમાવ્યો હતો.

રહીશોએ દરવાજો ખોલતા જ મહાકાય દર્શન દેતા મકાનમાં રહેતા રહીશોના જીવ અધ્ધર થયા હતા? જો કે આ બનાવવાની જાણ થતા જ વન વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. તપાસ કરતાં 15 ફૂટનો મહાકાય મગર જોવા મળ્યો હતો. જેને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને પાંજરેપુરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો.

Most Popular

To Top