સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પ્રબળ માંગ :
પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.19
એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગણી છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તેવામાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ બહારના માર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જેને કારણે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.
241 વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા વાઇસ ચાન્સેલર સામે છેલ્લા કેટલાક દિવસથી આંદોલન છેડવામાં આવ્યું છે. કોમન એકટ લાગુ કરાયા બાદ વીસીની તાનાશાહી સામે વિવિધ વિદ્યાર્થી સંગઠનો સહિત પૂર્વ વિદ્યાર્થીઓ પણ હવે મેદાનમાં આવ્યા છે. ગતરોજ ફાઈટ ફોર એમએસયુના યોદ્ધાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો અને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે બીજા દિવસે બુધવારે NSUI દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બહારના મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જેને લઇ પોલીસ પણ દોડતી થઈ હતી. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત દસથી વધુ વિદ્યાર્થી આગેવાનોની અટકાયત કરી હતી.