Vadodara

વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા

વડોદરા તારીખ 7

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાન મંત્રી આવાસના મકાનો અપાવવાનું કહી ઠગ એજન્ટ દ્વારા ચાર લોકો પાસેથી રૂપિયા 1.78 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ તેવો વાયદો આપી લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. પરંતુ આ એજન્ટે કોઈ મકાન નહીં અપાવતા તેના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નરહરિ હોસ્પિટલ પાછળ કમાટીપુરા ખાતે રહેતા ગુલાબસિંગ ઉદેસીંગ જાદવ સમા ખાતે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મેળવવા માટે જુલાઈ 2024મા માહીતી તથા જરૂરી દસ્તાવેજ ભેગા કરતો હતો. ત્યારે તેમની પાડોશમાં રહેતા કીર્તિબેન કહારે તેમની પત્ની પદમાનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યુ હતું કે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવવા માટે ફોર્મ ભરેલું છે. ફોર્મ ભરવાની પ્રોસેસ સંજય રાજુભાઈ પ્રજાપતિ મારફતે કરી છે. સંજય પ્રજાપતિ પ્રધાનમંત્રી આવાસ યોજનાના એજન્ટ તરીકે કામ કરે છે અને તેઓની કોર્પોરેશની ઓફિસમાં પહોંચ હોવાથી ગેરેન્ટીથી મકાન અપાવી શકે છે તેમ જણાવતા દંપતીને સંજય પ્રજાપતિ થકી ફોર્મ ભરાવવાનુ નક્કી કર્યું હતું. સંજય પ્રજાપતિ દંપતીના ઘરે આવ્યો હતો તેમને સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ તેવો વાયદો કર્યો હતો
અને ઉપર સાહેબને રૂ.50 હજાર આપવા પડશે તેમ જણાવ્યુ હતુ. કીર્તિ કહાર પણ ત્યા હાજર હતા અને તેઓએ પણ આ સંજય પ્રજાપતિને સારી રીતે ઓળખે
અને તેઓ તેમના પાડોશી થાય છે. જેથી સંજય પ્રજાપતિ ઉપર વિશ્વાસ કરી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ મકાન મેળવવા માટેનું ફોર્મ ભરવાનુ નકકી કરી જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. ત્યારબાદ સંજય પ્રજાપતિએ તેમને ફોન કરીને ફાઈલ ચાર્જ અને સાહેબને આપવાના છે તેમ કહીને ગુલાબસિંગ જાદવ પાસે રૂપિયા માંગતા તેમણે ઓનલાઈન સંજય પ્રજાપતિને રૂ.59 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ એક માસ પછી આ સંજય પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. તેઓએ આજકાલમાં તમારા ઘરે લેટર આવશે. પરંતુ કોઈ મકાન મળ્યું હોવાનો લેટર આવ્યો ન હતો અને પરંતુ કોઈ આવાસનું મકાન અપાવ્યું ન હતું. સંજય પ્રજાપતિ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન અપાવવાના બહાને પૈસા લીધા હોવાની હકિકત જાણવા મળી હતી. જેમા પાડોશી સતિષ ખાનવીલકર પાસેથી પણ રૂપિયા 54 હજાર તથા પટેલ મયંક પાસેથી 39 હજાર તેમજ કીર્તિબેન પાસેથી 32 હજાર મળી કુલ રૂપિયા 1.78 લાખ પડાવ્યા હતા. પરંતુ કોઈને મકાન અપાવ્યું ન હતું. જેથી ગુલાબ સિંગ જાદવે સંજય પ્રજાપતિ વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

સંજય પ્રજાપતિએ રૂપિયા 32 હજાર પરત કરવા માટે બંધ બેન્કનો ચેક પધરાવ્યો

સંજય રાજુ પ્રજાપતિ (રહે.ચંદ્રભાડા હાઉસિંગ બોર્ડ નવાવાડજ અમદાવાદ તથા સમા જલારામ મંદિર પાસે વડોદરા)એ ગુલાબસિંગ જાદવને પ્રધાનમંત્રી આવાસ યોજનાનુ ફોર્મ ભરી આપી ચોક્કસ મકાન મળી જશે. તેઓ પાકો વિશ્વાસ આપી મારી પાસેથી રૂ. 59 હજાર મેળવી લીધા હતા. મકાન નહી મળે તો પરત રૂ.32 હજાર મળી જશે તેમ જણાવ્યુ હતું. તે પ્રમાણે મકાન નહીં અપાવતા તેણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક રૂ.32 હજારનો ચેક લખીને આપ્યો હતો. જે ગુલાબ સિંગ જાદવે પોતાના ખાતામાં જમા કરાવવા બેંકમા જતા બંધ એકાઉન્ટનો ચેક હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top