સ્ક્રેપમાં મુકેલી ગાડીઓ લપેટમાં આવી બળીને ખાખ
ગાજરાવાડી અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરા શહેરમાં ગરમીના તાપમાનમાં નોંધાઈ રહેલા વધારા વચ્ચે આગ લાગવાના બનાવવામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં મંગળવારે બપોરના સુમારે પ્રતાપનગર પોલીસ હેડ કોટર્સ તાલીમ કેન્દ્રની પાછળ આવેલા ભંગારના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

વડોદરા શહેરના પ્રતાપ નગર પોલીસ લાઈનમાં આવેલા તાલીમ કેન્દ્રની પાછળના ભાગે ભંગારમાં આગ લાગવાની ઘટના બની હતી કંડમ હાલતમાં મુકેલી ગાડીઓમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ પ્રતાપ નગર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં ગાડીઓના સ્ક્રેપમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી દાંડિયાબજાર અને ગાજરાવાડી ફાયર વિભાગની ટીમો સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડના જવાનોને સફળતા સાંપડી હતી. હાલ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આગના બનાવો પણ સામે આવી રહ્યા છે. નોંધણીય બાબત છે કે આગના આ બનાવમાં જાનહાનિ થઈ ન હતી. ગરમીને કારણે તેમજ ઝાડી ઝાંખરા હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.
