દરવાજાને મારેલું તાળું નકુચા સાથે કાપી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.1.87 લાખની મતાની સાફસૂફી કરી ફરાર
વડોદરા તા.28
વડોદરા શહેરના પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે રેલવે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં નોકરી કરતા કર્મચારી રેલવે કોલોની માં રહે છે. દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન વતન મહેસાણા જવા માટે મકાનને તાળું મારી નીકળ્યા હતા. દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂ. 1.87 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. કર્મચારીએ પરત ઘરે આવી ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ મહેસાણાના અને હાલમાં વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા મણીભાઈ મગનભાઈ સુનેસરા હાલમા પ્રતાપનગર ડીઆરએમ ઓફીસ ખાતે રેલ્વે ટ્રાફીક કન્ટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે. 21 ઓક્ટોબરના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે પરીવાર સાથે વતન મહેસાણા ખાતે જવા માટે મકાનને તાળુ મારી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરિવાર સાથે અમદાવાદ સાસરીમાં ગયા હતા અને ત્યાં જ પરીવાર સાથે રાત્રીના રોકાણ પણ કર્યું હતું. તે દરમિયાન રેલ્વે કેન્ટ્રોલ રૂમ પ્રતાપનગર ખાતેથી ફોન આવ્યો હતો કે તમારા મકાનના દરવાજાને તાળું તૂટેલુ છે અને ઘરના દરવાજા ખુલ્લા હોય ચોરી થઇ હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારબાદ રેલ્વે કોલોનીમા રહેતા પાડોશી આર એસ યાદવે પણ ફોન કરીને આ તમારા મકાનમા ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેથી 27 ઓક્ટોબરના રોજ સવાર દશેક વાગ્યા સમયે કર્મચારી પરીવાર સાથે પરત વડોદરા પ્રતાપનગર રેલવે કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે તેમના મકાનનો નકુચો તાળા સાથે કાપેલી નાખેલો હતો અને તાળું પણ નીચે પડેલુ હતું. મકાનનો દરવાજો ખુલ્લો હોય જેથી તેઓએ મકાનની અંદર જઈને રૂમમા રાખેલી તિજોરી ચેક કરતા દરવાજા અને ડ્રાવરો ખુલ્લા હોવા સાથે ઘરવખરી સહિતનો સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. આ તિજોરીના ડ્રોવરોમા મુકેલા સોના ચાંદીના દાગીના રૂ.1.80 લાખ તેમજ રોકડા રૂપિયા 7 હજાર મળી કુલ રૃપિયા 1.87 લાખની મતા ગાયબ હતી. આમ કર્મચારી પરિવાર સાથે પોતાના વતન ગયા હતા ત્યારે તેમના બંધ મકાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની મતાની ચોરી કરીને રફૂચક્કર થઈ ગયા હતા. મકાન માલિકે પરત આવી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.