મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શકયતા :
રેલવેના કેટલાક અધિકારીઓને કર્મચારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરાના પ્રતાપ નગર રેલવે ડિવિઝનલ પર્સનલ ઓફિસરના નિવાસ્થાને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમો દ્વારા રેડ કરવામાં આવી છે. જેમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.

વડોદરાના પ્રતાપનગર રેલવે ડિવિઝનલ પર્સનલ ઓફિસર ના નિવાસ્થાને સીબીઆઈ અને એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. હાલ દિલ્હી પાર્સિંગની ગાડીઓ ઓફિસર્સ ક્વોટર્સની બહાર જોવા મળી છે. મોડીરાત સુધી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી વ્યક્તિ સહિત પાંચ લોકો સામે ગાંધીનગર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રતાપનગર રેલવે કોલોનીમાં આવેલા ડિવિઝનલ પર્સનલ ઓફિસરના નિવાસ્થાને સર્ચ કરવામાં આવ્યું છે. એકાએક એસીબી અને સીબીઆઇની ટીમો ત્રાટકતાજ રેલવેના અન્ય વિભાગોમાં પણ ભારે ફાફડાટ ફેલાઈ ગયો છે. એસીબી અને સીબીઆઇની ટીમો દ્વારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. મોડીરાત સુધી આ તપાસ ચાલી હતી. એસીબી અને સીબીઆઈના કરેલા સર્ચમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. પ્રતાપ નગર રેલવે કોટર્સ બહાર દિલ્હી પાર્સિંગની ખાનગી ગાડીઓ જોવા મળી છે. હાલ આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી.
